યુવતીએ વેજ સેન્ડવીચનો ઓર્ડર આપ્યો હોવા છતાં તેણીને નોન વેજ સેન્ડવીચનું પાર્સલ પકડાવી દેવાયું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ દાખલ :રેસ્ટોરન્ટને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવાની માંગ

અમદાવાદની વિવિધ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોના ફૂડમાં જીવડા નીકળવાના બનાવો છાશવારે સામે આવતા રહે છે. આ ઉપરાંત વેજીટેરિયન ગ્રાહકોને ભૂલથી નોન વેજ ફૂડ પીરસવામાં આવતું હોવાના બનાવો પણ સામે આવી ચૂક્યા છે, ત્યારે અમદાવાદની એક યુવતીને ઓનલાઈન ફૂડ મંગાવવાનો કડવો અનુભવ થયો છે. જેમાં યુવતીએ વેજ સેન્ડવીચનો ઓર્ડર આપ્યો હોવા છતાં તેને નોન વેજ સેન્ડવીચનું પાર્સલ પકડાવી દેવામાં આવ્યું હતુ. આ મામલે યુવતીએ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ પણ દાખલ કરી છે.
અમદાવાદ સોલા વિસ્તારમાં રહેતી નિરાલી નામની યુવતીએ શુક્રવારે રાતે ફૂડ ડિલિવરી એપ ઝોમેટો મારફતે 'પીક અપ મિલ્સ બાય ટેરા' નામની ફૂડ ચેનમાંથી પનીર ટિક્કા સેન્ડવીચનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ ડિલિવરી બૉય પાર્સલ આપી ગયો હતો. થોડીવાર બાદ નિરાલીએ જ્યારે સેન્ડવીચ ચાખી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે સેન્ડવીચ નૉનવેજ છે.
આખરે નિરાલીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં રેસ્ટોરન્ટને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ ફૂડ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, અમને ફરિયાદ મળી તે પછી અમે ટીમને તપાસ માટે મોકલી છે.
ગયા મહિને પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલ મોકા કેફેમાં યુવતીઓનું એક ગ્રુપ નાસ્તો કરવા ગયું હતુ. જ્યાં કેફેમાં તેમણે વેજીટેબલ પેટીસ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. જો કે બર્ગર ખાધા પછી યુવતીઓને ખબર પડી હતી કે, આ વેજ નહીં પરંતુ નોન વેજ બર્ગર છે. આ મામલે AMCના ફૂડ વિભાગને ફરિયાદ કરવામાં આવતા મોકા કેફેને 5 હજાર રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.