મુખ્ય સમાચાર
News of Sunday, 28th April 2024

દિલ્હીમાં ભાજપનો પોસ્ટર પ્રહાર : સુનીતા કેજરીવાલ પર સાધ્યું નિશાન: લખ્યું- 'દિલ્હીની રાબડી દેવી

દિલ્હી ભાજપે સિવિલ લાઇન્સ સ્થિતિ સીએમ આવાસ તરફ જતા રુટ પર સાઈન બોર્ડ લગાવ્યા

નવી દિલ્હી : દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે પોસ્ટર વોર શરૂ થયું છે,દિલ્હી ભાજપે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ પર નિશાન સાધતા પૂર્વી દિલ્હીમાં પોસ્ટર લગાવી દીધા છે. આ પોસ્ટર પર સુનીતા કેજરીવાલની તસવીર જોવા મળે છે અને તેના પર લખ્યું છે 'દિલ્હી રાબડી દેવી.'

અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે આજે પોતાનો પહેલો રોડ શો કર્યો. આ દરમિયાન સમર્થકોના હાથમાં આઈ લવ કેજરીવાલના પોસ્ટર હતા. આ પહેલા દિલ્હી ભાજપે સિવિલ લાઇન્સ સ્થિતિ સીએમ આવાસ તરફ જતા રુટ પર સાઈન બોર્ડ લગાવ્યા હતા જેમાં લખ્યું હતું, 'કાચનો મહેલ ભ્રષ્ટાચારનો અડ્ડો, મુખ્યમંત્રી નિવાસ, 6 ફ્લેગ સ્ટાફ રોડ સિવિલ લાઇન્સ'. પોસ્ટરમાં સીએમ આવાસ તરફ ઈશારો કરવામાં આવ્યો છે. બોર્ડ સીએમ નિવાસસ્થાનથી થોડે દૂર જ લગાડવામાં આવ્યા છે. દિલ્હીમાં લોકસભા ચૂંટણીમાં હવે માત્ર એક જ મહિનો રહ્યો છે, એવામાં ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજા વિરુદ્ધ આક્રમક અભિયાન ચલાવી રહ્યાં છે.

ભાજપ કહે છે કે લોકો ઈન્ડિયા ગેટ અને અન્ય સ્મારકોને જોવા દિલ્હી આવે છે. અમે ઈચ્છીએ છીએ કે લોકો ભ્રષ્ટાચારના કેન્દ્ર એવા કાચના મહેલ જોવા પણ જાય. ભાજપના નેતાએ કહ્યું કે, અમે તે રસ્તો દેખાડ્યો છે જ્યાંથી દિલ્હીને લુંટવાની યોજના બનાવવામાં આવે છે. આ નિવાસ જ કારણ છે કે સીએમ કેજરીવાલ પોતાનું પદ નથી છોડી રહ્યાં. ભાજપના નેતાએ કહ્યું, લોકો રાષ્ટ્રીય સ્મારકોને જોવા માટે દિલ્હી આવે છે તેમણે ભ્રષ્ટાચારના કેન્દ્ર કાચના મહેલની ઝલક મેળવવા માટે પણ અહીં આવવું જોઈએ.

   સુનીતા કેજરીવાલના પ્રચારમાં ઉતર્યા બાદ ભાજપે સીએમ અરવિંદ કેજરીવાલ પર પરિવારવાદની રાજનીતિ કરવાનો આરોપ લગાડવાનું શરુ કરી દીધું છે. બીજી બાજુ આપ પણ સહાનુભૂતિ માટે સુનીતા કેજરવાલનો ચહેરો બનાવીને સીએમની ધરપકડનો મુદ્દો ચગાવવાનો પ્રયાસ કરી રહી છે.

   

(12:20 am IST)