ઇસ્કોનના અધ્યક્ષ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજનું દુઃખદ નિધન: દેહરાદૂનમાં અંતિમ શ્વાસ લીધા
ઇસ્કોન ઇન્ડિયાની ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ હ્રદય સંબંધિત બીમારીના કારણે ત્રણ દિવસ પહેલા દહેરાદૂનની હોસ્પિટલમાં દાખલ હતા

ઇસ્કોન ઇન્ડિયાની ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ ગોપાલ કૃષ્ણ ગોસ્વામીનું રવિવારે અવસાન થયું. હ્રદય સંબંધિત બીમારીના કારણે તેમને ત્રણ દિવસ પહેલા દહેરાદૂનની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. દેહરાદૂનની હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઈસ્કોન ટેમ્પલ કોમ્યુનિકેશન ઈન્ડિયાના ડાયરેક્ટર બ્રિજનંદન દાસે જણાવ્યું હતું કે, તેમના પાર્થિવ દેહને 5 મેના રોજ સાંજે 4 વાગ્યે નવી દિલ્હીના પૂર્વ કૈલાશ સ્થિત મંદિરમાં દર્શન માટે રાખવામાં આવશે.
2 મેના રોજ, ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ દુધલી સ્થિત મંદિરના શિલાન્યાસ સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તે અચાનક લપસીને પડી ગયા હતા. જેના કારણે તેમના ફેફસામાં ઈજા થઈ હતી. તેમને દેહરાદૂનની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.
તેમને 6 મેના રોજ વૃંદાવનમાં સમાધિ આપવામાં આવશે. ગોપાલ કૃષ્ણ ગોસ્વામીનો જન્મ 1944માં નવી દિલ્હીમાં થયો હતો. વર્ષ 1968માં ગોપાલ કૃષ્ણ ગોસ્વામી કેનેડામાં ઇસ્કોનના સ્થાપક શ્રીલ પ્રભુપાદને મળ્યા. શ્રીલ પ્રભુપાદને મળ્યા પછી, તેઓ શ્રી કૃષ્ણ અને સનાતન ધર્મના પ્રચાર માટે સમર્પિત થઈ ગયા. તેમણે દુનિયાના અનેક દેશોમાં સનાતન ધર્મનો પ્રચાર કર્યો.
ગોપાલ કૃષ્ણ ગોસ્વામી એક તેજસ્વી વિદ્યાર્થી હતા અને તેમને સોર્બોન યુનિવર્સિટી (ફ્રાન્સ) અને મેકગિલ યુનિવર્સિટી (કેનેડા)માં અભ્યાસ કરવા માટે ફેલોશિપ મળી હતી. તેમણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ કેનેડા, કેન્યા, પાકિસ્તાન, સોવિયત યુનિયન અને વિશ્વના ઘણા ભાગોમાં આઉટરિચ અને સમુદાય-નિર્માણના પ્રયાસોનું નિરીક્ષણ કર્યું. આ સિવાય ગોપાલ કૃષ્ણ ગોસ્વામીએ દુનિયાભરમાં ડઝનબંધ મંદિરો બનાવ્યા. તેમણે અન્નામૃત ફાઉન્ડેશનની પણ શરૂઆત કરી, જે આજે ભારતની 20 હજારથી વધુ શાળાઓમાં લગભગ 12 લાખ સરકારી શાળાના વિદ્યાર્થીઓને ભોજન આપે છે.