મુખ્ય સમાચાર
News of Sunday, 5th May 2024

‘બેબી મલિંગા’ તરીકે ફેમસ પથિરાનાએ ધોનીને પિતા જેવા ગણાવ્યા :તેની સફળતાનો શ્રેય માહીને આપ્યો

CSKના ખેલાડી પથિરાનાએ ધોની સાથેના તેના સંબંધો વિશે વાત કરી:તેણે કહ્યું કે ધોની એક પિતાની જેમ તેનું ધ્યાન રાખે છે. જે રીતે તેના પિતા ઘરે તેની સંભાળ રાખે છે તેમ ધોની ક્રિકેટમાં તેનું ધ્યાન રાખે છે.

મુંબઈ :મથિશા પથિરાના 2022માં પહેલીવાર IPLમાં જોવા મળ્યો હતો અને તેની એક્શનને કારણે પથિરાના ‘બેબી મલિંગા’ તરીકે ફેમસ થયો. શ્રીલંકાની અંડર-19 ટીમમાં તેના શાનદાર પ્રદર્શન બાદ તે સિનિયર ટીમમાં પણ જોડાયો હતો પરંતુ ત્યાં તેનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું ન હતું. આ પછી ચેન્નાઈ સુપર કિંગ્સે તેની નોંધ લીધી અને ફ્રેન્ચાઈઝીએ તેને તરત જ ટીમમાં સામેલ કરી લીધો હતો 

    પથિરાનાને તેની ડેબ્યૂ સિઝનમાં માત્ર 2 મેચ રમવાની તક મળી હતી. આ પછી IPL 2023ની શરૂઆતની મેચોમાં પણ તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. પરંતુ દર વખતની જેમ મહેન્દ્ર સિંહ ધોનીએ પથિરાનાની પ્રતિભા પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેને તકો આપતો રહ્યો. પરિણામ એ આવ્યું કે આજે પથિરાના CSKનો મુખ્ય બોલર છે અને ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ રહ્યો છે. પોતાની સફળતાનો શ્રેય ખુદ પથિરાનાએ ધોનીને આપ્યો છે

   મથિશા પથિરાનાએ 2023ની સિઝનમાં 12 મેચમાં 19 વિકેટ લીધી હતી અને આ સિઝનમાં માત્ર 6 મેચમાં 13 વિકેટ લઈને પર્પલ કેપની રેસમાં છે. તેણે પોતાની સફળતા પાછળ ધોનીનો હાથ ગણાવ્યો છે. તેણે પોતાના ક્રિકેટ જીવનમાં ‘માહી’ને પિતાનો દરજ્જો આપ્યો છે. પથિરાનાએ ચેન્નાઈ સુપર કિંગ્સની યુટ્યુબ ચેનલ પર ધોની સાથેના તેના સંબંધો વિશે વાત કરી છે. તેણે કહ્યું કે ધોની એક પિતાની જેમ તેનું ધ્યાન રાખે છે. જે રીતે તેના પિતા ઘરે તેની સંભાળ રાખે છે તેમ ધોની ક્રિકેટમાં તેનું ધ્યાન રાખે છે

  પથિરાનાએ એમ પણ કહ્યું કે ધોની મેદાન બહાર બહુ ઓછી વાત કરે છે. પરંતુ જ્યારે પણ તેને કંઈક પૂછવું હોય ત્યારે તે સીધો એમએસ ધોની પાસે જાય છે અને પોતાની લાગણી વ્યક્ત કરે છે. ધોની ઘણીવાર રમતનો આનંદ માણવાની અને શરીરનું ધ્યાન રાખવાની સલાહ આપે છે. પથિરાનાએ કહ્યું કે ધોનીની નાની-નાની બાબતોએ તેની કારકિર્દી પર ઘણી અસર કરી છે.

 

IPL 2024માં મથિશા પથિરાના ચેન્નાઈનો મુખ્ય ઝડપી બોલર છે. આ સિઝનમાં તેણે પોતાની બોલિંગના આધારે ઘણી મેચો ફેરવી નાખી. તેની શાનદાર બોલિંગને કારણે CSK 10 માંથી 5 મેચ જીતીને પોઈન્ટ ટેબલ પર પાંચમા સ્થાને છે. તમને જણાવી દઈએ કે શરૂઆતમાં રમ્યા બાદ પથિરાના ઈજાના કારણે 4 મેચ માટે બહાર થઈ ગયો હતો. તેથી, તે માત્ર 6 મેચ જ રમી શક્યો છે અને 7.6ની ઈકોનોમી સાથે 13 વિકેટ ઝડપી છે

(8:27 pm IST)