જિરાફના ગળામાં ટાયર કઇ રીતે ફસાયું?

લંડન તા. ૧૬ : કેન્યાના મોમ્બાસામાં આવેલા હોલર પાર્કમાં એક જિરાફના ગળામાં ફસાયેલા ટાયરને બહાર કાઢવામાં આવ્યું હતું. જિરાફના ગળામાં ટાયર કઈ રીતે ફસાયું એ વિશે કોઈ જાણકારી નથી, પરંતુ ગળાની ફરતે લાંબા સમયથી ફસાયેલા ટાયરને લીધે એની ડોકમાં ઈજા થઈ હતી. શેલ્ડ્રિક વાઇલ્ડલાઇફ ટ્રસ્ટનું કહેવું હતું કે આ પહેલાં નાની-મોટી ઈજા માટે લગભગ ૯૫ જેટલાં જિરાફને સારવાર આપવામાં આવી છે, પરંતુ ગળામાં ટાયર ફસાઈ ગયું હોય એવો આ પહેલો જ કેસ છે. જોકે જિરાફને પકડવા માટેના છટકા તરીકે ટાયરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એની સંભાવના જણાતી નથી.
જિરાફને ટાયરમુકત કરવા માટે એની નજીક જઈને એના પર સસ્તન પ્રાણીઓ માટે વિશેષ રૂપે તૈયાર કરાયેલું એનેસ્થેશિયા ધરાવતું તીર છોડવામાં આવ્યું હતું અને ત્યાર બાદ જિરાફને ધીમેથી દોરીને મેદાનમાં લવાયું. એનેસ્થેશિયાને લીધે જિરાફની શરીરમાં લોહી પમ્પ કરવાની ક્ષમતા પર અસર પડવાની સંભાવનાને લીધે એને લાંબો સમય એનેસ્થેશિયાની અસર હેઠળ રાખી શકાય નહીં. પરિણામે જિરાફને જમીન પર સુવડાવ્યા બાદ તરત જ એના ગળામાંથી સાવચેતીપૂર્વક ટાયર કાઢી લેવામાં આવ્યું હતું. જિરાફના ઘાને સાફ કરીને એના પર એન્ટિબાયોટિક સ્પ્રે છાંટીને એને જંગલમાં છોડી દેવામાં આવ્યું હતું.