દેશ-વિદેશ
News of Saturday, 4th May 2024

ઈરાને જપ્ત કરેલ ઇઝરાયલની જહાજના ક્રુ મેમ્બર્સને મુક્ત કરાયા હોવાના સમાચાર


નવી દિલ્હી: ઈરાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાને કહ્યું કે તેણે પોર્ટુગીઝ-ધ્વજવાળા કાર્ગો જહાજ MSC Ariesના ક્રૂ મેમ્બર્સને મુક્ત કરી દીધા છે. આ જહાજના 25 સભ્યોમાંથી 17 ભારતીયો હતા. ઈરાનના એક નિવેદન પ્રમાણે તેના વિદેશ મંત્રી અમીર અબ્દુલૈયાને શુક્રવારે પોતાના એસ્ટોનિયન સમકક્ષ માર્ગુસ સાહકના સાથે ફોન પર વાતચીત દરમિયાન જહાજના ક્રૂ મેમ્બર્સને મુક્ત કરી દેવાનો ઉલ્લેખ કર્યો હતો. ઈઝરાયલ સાથે સબંધિત કાર્ગો જહાજના 17 ભારતીય ક્રૂ મેમ્બર્સમાંથી એકમાત્ર મહિલા કેડેટ એન ટેસા જોસેફને 13 એપ્રિલના રોજ ઈરાની સેના દ્વારા ટેન્કર કબજે કર્યાના થોડા દિવસો બાદ 13 એપ્રિલે મુક્ત કરી દેવામાં આવી હતી. ટેસા જોસેફની મુક્તિ બાદ ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તે બાકીના ભારતીય નાગરિકોની મુક્તિ માટે ઈરાન સાથે વાતચીત કરી રહ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના જળસીમામાં જપ્ત કરાયેલા પોર્ટુગીઝ જહાજ અને તેના એસ્ટોનિયન ક્રૂને મુક્ત કરવા અંગે એસ્ટોનિયન પક્ષની વિનંતીના જવાબમાં અમીર અબ્દુલૈયાને કહ્યું કે, જહાજ જે ઈરાનના ક્ષેત્રીય જળમાં તેના રડારમાંથી ગાયબ થઈ ગયુ હતુ અને તેને ન્યાયિક નિયમો હેઠળ પોતાના કબજામાં લેવામાં આવ્યુ છે. MSC Aries જહાજ પર સવાર ભારતીય નાગરિકોની મુક્તિ માટે વિદેશ મંત્રાલય ઈરાન સાથે સતત સંપર્કમાં હતું. વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલૈયાન સાથે વાત કરી હતી અને ભારતીયોની મુક્તિનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ ઈરાને ખાતરી આપી હતી કે તે ટૂંક સમયમાં તમામ ભારતીય નાગરિકોને મુક્ત કરી દેશે.

 

(7:14 pm IST)