ચીનના જાસૂસી જહાજ બાદ તુર્કેઇના જહાજની થઇ માલદીવમાં એન્ટ્રી

નવી દિલ્હી: ઈન્ડિયા આઉટના નારાને વળગેલા અને સતત ભારત વિરુદ્ધના નિવેદનો કરવા માટે જાણીતા થયેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂએ ભરી ભારતનું ટેન્શન વધાર્યું છે. મુઈજ્જુ સરકારે ચીન સાથે સંબંધોનો બહોળો વિકાસ કર્યા બાદ હવે તૂર્કેઈ સાથે સંબંધો ગાઢ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઈસ્લામિક કટ્ટરપંથી માટે જાણીતા તૂર્કેઈ (Turkey)નું જહાજ આજે માલદીવ પહોંચ્યું છે. આ પહેલા માલદીવે સેના માટે ડ્રોન ખરીદવા માટે તુર્કેઈ સાથે કરાર કર્યા હતા. તો આ પહેલા ચીનનું જહાજ પણ માલદીવ પહોંચ્યું હતું. વિશ્વભરમાંથી આક્ષેપો થતા રહ્યા છે કે, ચીનનું જહાજ જાસુસી જહાજ છે. તુર્કેઈ અને જાપાનના સંબંધોને 100 વર્ષ પુરા થવાના છે, ત્યારે જાપાન તરફ જઈ રહેલું તુર્કેઈનું ટીસીજી કિનાલિયાડા જહાજ (Naval Ship TCG Kınalıada) માલદીવના માલેમાં પહોંચ્યું છે. આ દરમિયાન માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ (Maldives National Defence Force-MNDF)એ તુર્કેઈ જહાજનું ભવ્ય સ્વાગત કર્યું છે. આ જહાજ જાપાન (Japan) જઈ રહ્યું છે, પરંતુ રસ્તામાં માલદીવમાં રોકાયું છે. 134 દિવસના પ્રવાસે નિકળેલું તુર્કેઈનું જહાજ 27 હજાર કિલોમીટરની યાત્રાએ નિકળ્યું છે. માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર માહિતી આપી છે કે, ‘એમએનડીએફ અમારા દેશો વચ્ચે મજબૂત ભાગીદારી કરવા અને સહયોગ વધારવાના હેતુથી સદભાવના યાત્રા હેઠળ માલદીવ પહોંચેલા તુર્કેઈનું જહાજ ટીસીજી કિનાલિઆડાનું ભવ્ય સ્વાગત કરે છે. આ જહાજ જાપાન (Japan), પાકિસ્તાન (Pakistan), માલદીવ, ચીન (China) સહિત 20 દેશોની મુસાફરી કરશે.’