અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે રક્તદાન શિબિર યોજાઈ
થેલેસેમિયા મેજર બાળકોને લોહી પૂરું પાડવામાં મદદરૂપ બનવા માટે રક્તદાન શિબિરનું આયોજન કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા સર્વોદય બ્લડ બેંક અમદાવાદના સહયોગથી તા.21.09.2020ના રોજ સરદાર પટેલ હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં રક્તદાન કરીને થેલેસેમીયા મેજરની બીમારી ધરાવતા બાળકોને મદદરૂપ થવાના ઉમદા ધ્યેયમાં અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી સ્વૈચ્છીક રક્તદાતાઓ સહભાગી બન્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના મહામારીના કારણે સ્વૈચ્છિક રક્તદાતાઓ ની ખૂબ જ અછત વર્તાઈ રહી છે. જેથી કરીને બ્લડ બેંકમાં પણ લોહીની અછત રહે છે, જેના કારણે થેલેસેમિયા મેજરની બીમારી ધરાવતા બાળકોને નિયમિત લોહી પૂરું પાડવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. થેલેસેમિયા મેજર બાળકોને લોહી પૂરું પાડવામાં મદદરૂપ થવા માટે જિલ્લા પંચાયત ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.