IBના ટોચના અધિકારીઓને પણ ઝપટમાં લેતો કોરોના
રાજ્ય પોલીસ બેડામાં ભારે ખળભળાટ : રાજ્યના છથી વધુ અધિકારીઓ કોરોનાથી સંક્રમિત બન્યા

અમદાવાદ, તા. ૨૧ : રાજ્યમાં કોરોનાનો કહેર જરા પણ ઓછો થઈ રહ્યો નથી. પહેલા રાજ્યના કેટલાક મેગા સિટી સુધી જ સિમિત રહેલો કોરોના હવે ગ્રામ્ય વિસ્તારોમાં માથું ઊંચકી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વધતો કોરોના સરકાર માટે પણ મોટો પડકાર સાબિત થશે. જોકે આ બધા વચ્ચે કોરોના વોરિયર્સ હવે આ મહામારીની ઝપટમાં વધુ આવી રહ્યા છે. લોકડાઉનથી લઇને હાલ સુધી છેલ્લા ૬-૬ મહિનાથી ખડે પગે પોતાની ફરજ બજાવતા પોલીસ અને ડોક્ટર્સ હવે જેમ જેમઅનલોક આગળ વધી રહ્યું છેતેમ તેમ કોરોનાનો શિકાર બનીરહ્યા છે.
રાજ્યમાં અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ કોરોનાગ્રસ્ત થતા તંત્ર માટે એક મોટી સમસ્યા આગામી સમયમાં સર્જાઈ શકે છે. રાજ્યના પોલીસ બેડામાં ૫ એસપી રેક્નના અધિકારીઓ, એક ડિએસપી રેક્નના અધિકારી, બે સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોના ઇન્સ્પેક્ટર કોવિડ-૧૯માં પોઝિટિવ આવ્યા છે. એક એસપી રેક્નના અધિકારીને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે તો બીજા અધિકારીઓને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
સૂત્રો મુજબ ૪ એસપી રેક્નના પોલીસ અધિકારીઓ કે જેમની ઓફિસ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પોલીસ ભવનમાં આવેલી છે તેઓ પોઝિટિવ જણાઈ આવ્યા હતા. જેમાં હિમાંશુ સોલંકી, યુવરાજસિંહ જાડેજા, ભગિરથ ગઢવી, ભુજ આઈબી યુનિટના એસપી ભગિરથસિંહ જાડેજા, સુરત આઈબી યુનિટના એસપી હુમેશ પટેલનો સમાવેશ થાય છે. આ તમામ અધિકારીઓ કોરોના ટેસ્ટમાં પોઝિટિવ જણાઈ આવ્યા હતા. જ્યારે રાજકોટ આઈબી યુનિટના ડિએસપી બે પોલીસ ઇન્સ્પેક્ટર પણ કોરોના પોઝિટિવ જણાઈ આવ્યા હતા.
સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ રાજ્ય આઈબીના ચીફ અનુપમસિંહ ગેહલોતે ગત સપ્તાહમાં રાજ્યના ટોચના આઈબી અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેના ચાર દિવસ બાદ ૬ આઈબી અધિકારીઓ પોઝિટિવ આવ્યા છે. આ બાબતની જાણ થતા રાજ્યના પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.