નવરાત્રિના આયોજનો નહીં કરવા જોઈએ : પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ
પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વાર વર્ચ્યુલ પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી : ખેડૂતોના પાકની એમએસપીથી થતી ખરીદ વ્યવસ્થા યથાવત છે-રહેશે, એવો ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો દાવો

અમદાવાદ,તા.૨૧ : રાજ્યમાં આ વર્ષે નવરાત્રિના આયોજન પર સરકાર અસંમજસમાં છે. આજથી લાગુ થયેલી ગાઇડલાઇન મુજબ જાહેર કાર્યક્રમોમાં ૧૦૦ વ્યક્તિ ભાગ લઈ શકે છે. જોકે, રાજ્યમાં ગત સપ્તાહોમાં યોજાયેલી ભાજપની રેલીઓ અને ત્યારબાદ સંક્રમિત થયેલા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આજે એક વર્ચ્યુલ પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી હતી.જેમાં તેમણે નવરાત્રિ યોજવી જોઈએ કે નહીં તે અંગે જણાવ્યું હતું. જોકે, અગાઉ આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે સરકાર અભિપ્રાય લઈ રહી છે અને ખૈલૈયાઓ તેમજ ગાઇડલાઇનને સાથે રાખીને કેવી રીતે આયોજન કરી શકાય અથવા તો આયોજન કરવું કે નહીં તે અંગે વધારે મોકળું મન રાખી નિર્ણય કરવામાં આવશે. સીઆર પાટીલે જણાવ્યું કે કોરોનાના આ કપરા કાળમાં હું અંગત રીતે માનું છું કે નવરાત્રિના આયોજનો ન કરવા જોઈએ. જોકે, સરકારે આ મુદ્દે હજુ સુધી કોઈ નિર્યણ લીધો નથી.
જોકે, પોતાની રેલીઓના કારણે વિવાદમાં આવેલા પાટીલે તો સ્પષ્ટ કહી દીધું કે નવરાત્રિના આયોજનો કરવા ન જોઈએ. સીઆર પાટીલે આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા કૃષિબીલ અંગે પણ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ખેડૂતોના પાકની એમએસપીથી થતી ખરીદ વ્યવસ્થા યથાવત છે અને રહેશે પરંતુ ખેડૂતોને ઉશ્કેરવા એ કોંગ્રેસનું હંમેશાથી કૃત્ય રહ્યું છે. કોંગ્રેસના આવા વલણને ખેડૂતો ક્યારેય માફ નહી કરે. કૃષિ સુધાર બિલ ૨૦૨૦માં માત્રને માત્ર ખેડૂતોના હિતોનું જ ધ્યાન રાખવામાં આવ્યું છે. વેપારીઓએ ખેડૂતોને ઉપજની ખરીદી બાદ ત્રણ દિવસમાં પેમેન્ટ કરી દેવું પડશે તેવી જોગવાઈ પણ કૃષિ સુધાર બિલ ૨૦૨૦માં કરાઈ છે જેનો સીધો જ લાભ ખેડૂતોને થશે. કોંગ્રેસે ખેડૂતો માટે કશું જ કર્યુ નથી, કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ કૃષિ સુધાર બિલ ૨૦૨૦ થી ખેડૂતોને વધુ આર્થિક ફાયદો થશે. કૃષિ સુધાર બિલ ૨૦૨૦માં ખેડૂતોની ખૂબ કાળજી રખાઈ છે. ખેડૂતોના હિત માટે મોદી સરકારે આ ક્રાંતિકારી પગલું ભર્યું છે. અને ખેડૂતોના વિકાસમાં આવતા તમામ અંતરાયો આ બિલના માધ્યમથી મોદી સરકારે દૂર કર્યા છે.