તલોદમાં સરકારી હોસ્પિટલ પાછળની સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 83 હજારની મતાની ઉઠાંતરી કરી

તલોદ : શહેરમાં માર્કેટયાર્ડમાં વેપારી પેઢી ધરાવતા અને નમસ્કાર સહકારી શરાફી મંડળીમાં એક સમયે ચેરમેન તરીકે વહીવટ કરી ચુકેલા વિનોદચંદ્ર તારાચંદભાઈ ગાંધી છેલ્લા પાંચેક વર્ષથી સરકારી હોસ્પિટલ પાછળ મીલના કેમ્પસમાં આવેલી શિવમ સોસા.માં ભાડેથી પરિવાર સાથે રહે છે. તેઓ નમસ્કાર મંડળીના નોંધાયેલા ગુનાના આરોપી છે. જેઓની ધરપકડ કરવા એલ.સી.બી. પોલીસ ધમપછાડા કરી રહી છે. પોલીસ પકડથી દૂર રહેલા મંડળીના આ પૂર્વે ચેરમેન વી.ટી.ગાંધી છેલ્લા ૨ માસથી તલોદનું મકાન અને તલોદ છોડીને અન્યત્ર ક્યાંક ચાલ્યા ગયા છે. તેમના આ ભૂગર્ભવાસ દરમ્યાન તેમના બંધ મકાનને કોઇક તસ્કરોએ ઘરફોડીનું નિશાન બનવી મુખ્ય દરવાજાના તાળાં તોડી, અંદર ઘૂસીને બધા કબાટ-ખાના વગેરેનો સામાન રફેદફે કરી નાંખી, ફરિયાદમાં કરવામાં આવેલ દાવા મુજબ રૂ ૮૩૦૦૦ના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. તેઓના મકાનના ઉપરના માળે ભાડેથી રહેતા ગોરધનભાઈ સોનીએ ગાંધીના દિકરી-જમાઈને મકાનનો દરવાજો અને બારી ખુલ્લી હોવાની જાણ કરી હતી. જે આધારે શ્રધ્ધાબા અને રાજદિપસિંહ ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા. જ્યાં તીજોરી, ટીવી કેબીનેટના ખાનાનો સામાન અને અન્ય ચીજ વસ્તુઓ ફેંદી નાંખીને આડેધડ નાંખેલી જણાઈ હતી.
દાવા મુજબ અહીં મુકી રાખેલ ચાંદીનો મોતીનો હાર, લકી, પુજાપાની થાળી, ૨ લોટી, વાટકી તથા ડીસ, છડા જોડ-૨ તથા ચાંદીના સિક્કા સહિતની અંદાજીત રૂ. ૨૦,૦૦૦ની ચીજવસ્તુઓ હતી નહીં. તેજ રીતે રૂ. ૬૦ હજારની કિંમતની સોનાની દોઢ તોલાની ચેઇન, અને હોટ વ્હીલ્સ કંપનીના રમકડાં-મેટલની ગાડી નંગ-૧૫ જેની કિંમત રૂ. ૩૦૦૦ થવા પામે છે. તેની પણ ચોરી થઇ ગઈ હતી. આ તમામ ચીજવસ્તુઓ તસ્કરો ચોરી ગયા છે. આ મામલે એફએસએલ અને ડોગ સ્કોવર્ડની પણ મદદ લેવાઈ છે.