માણસા નજીક ધોળાકુવા પાસે એટીએમને નિશાન બનાવી તસ્કરોએ રાત્રીના સુમારે ગેસ કટરથી મશીન કાપી 19 લાખથી વધુની રકમની ચોરી કરી

માણસા:પાસે આવેલા ધોળાકુવા ગામમાં આવેલ બેંક ઓફ બરોડાના એટીએમમાં ગઈરાત્રિએ અજાણ્યા ચોર ઈસમોએ મુખ્ય દરવાજાનું તાળુ તોડી એટીએમને ગેસ કટરથી કાપી ૧૯ લાખ ઉપરાંતની રકમની ચોરી કરી હતી. અને તેવી જ રીતે બાજુમાં આવેલ પરબતપુરા ગામે પણ એટીએમને ગેસ કટરથી કાપી ત્રણ લાખ ઉપરાંતની રકમની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. જે બાબતે બરોડા બેંકના મેનેજરે માણસા પોલીસ સ્ટેશન ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માણસા ખાતે આવેલ બેંક ઓફ બરોડા દ્વારા તાલુકાના ધોળાકુવા ગામે આવેલી ડેરીમાં એક એટીએમ મુકવામાં આવ્યું છે. જે સવારે ૮ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ હોય છે. આ એટીએમમાં ગત રાત્રિએ ૧૦ વાગ્યે બંધ થયું તે વખતે તેમાં ૧૯,૦૬,૫૦૦ રૃપિયા રોકડા હતા. આ એટીએમમાં દિવસ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવેલ છે પણ રાત્રે ૧૦ વાગ્યા પછી એટીએમના સરને તાળુ મારી બંધ કરી દેવામાં આવે છે. જેમાં ગઈકાલે રાત્રિના સવા ત્રણ વાગ્યાની આજુબાજુ અજાણ્યા ચોર ઈસમો અહીં ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા અને એટીએમના શટરનું તાળુ તોડી અંદર પ્રવેશી એટીએમ મશીનને ગેસ કટરથી કાપી અંદર મુકેલી તમામ રકમ લઈ ભાગી છૂટયા હતા.