સુરતના લીંબાયત સંજયનાગરમાં જામીન પર છૂટેલા યુવકની અગમ્ય કારણોસર હત્યા કરનાર પાંચ આરોપી પૈકી બે ની ધરપકડ

સુરત: શહેરના લીંબાયત સુભાષનગરમાં રહેતા અને હત્યાના ગુનામાં જામીન ઉપર છૂટેલા યુવાનને અઠવાડીયા અગાઉ લીંબાયત સંજયનગરમાં ગેંગવોરમાં ચાર થી પાંચ વ્યક્તિએ ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી રહેંસી નાખ્યો હતો. લીંબાયત પોલીસે આ બનાવમાં બે યુવાનની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરતના લીંબાયત સુભાષનગરમાં રહેતો અને હત્યાના ગુનામાં જામીન ઉપર છૂટેલો 30 વર્ષનો પ્રદીપ ઉર્ફે દાદા પાટીલ અઠવાડીયા અગાઉ સોમવારે મોડી સાંજે પોતાના મોપેડ ઉપર લીંબાયત સંજયનગર શ્રીરામ ચોક ખાતેથી પસાર થતો હતો ત્યારે ચાર થી પાંચ વ્યક્તિએ તેને આંતરી અટકાવ્યા બાદ તેના ઉપર ચપ્પુ વડે હુમલો કરી છાતી, હાથ અને પીઠમાં ઉપરાછાપરી પાંચ થી છ ઘા ઝીંકી દીધા હતા અને ફરાર થઈ ગયા હતા. ગંભીર ઈજાગ્રસ્ત દાદા પાટીલ સ્થળ ઉપર જ મોતને ભેટ્યો હતો. બનાવની જાણ થતા લીંબાયત પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.