વડોદરા:શ્રમજીવી યુવાનને લુંટ્યા બાદ સામાનનો ભાગલો પાડવામાં બે લૂંટારુઓ અંદરોઅંદર બાખડ્યા: લુટારુએ સાગરીતને ગળાના ભાગે તલવાર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા: મોબાઇલ એસેસરિઝની ફેરી કરતા શ્રમજીવી યુવકનો સામાન લૂંટી લીધા પછી તેની ભાગબટાઇમાં બે લૂંટારા અંદરોઅંદર ઝઘડયા હતા. જે પૈકી એક લૂંટારૃએ તેના સાગરિતને જ ગળાના ભાગે તલવાર મારી દીધી હતી.
રાવપુરા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ એમ.પી.નો રાજુ નર્મદાપ્રસાદ અજમેરા શહેરમાં ફેરી કરી મોબાઇલ ફોનની એસેસરિઝનો ધંધો કરે છે. ગઇકાલે રાજમહેલ રોડ વ્રજસિધ્ધિ ટાવરમાંથી ૧૨૦૦ રૃપિયાની હેન્ડસફ્રી એસેસરિઝ લઇને તે શહેરમાં વેચવા નીકળ્યો હતો. બપોરે સાડા ત્રણ વાગ્યે ક્રિષ્ણા હોસ્પિટલની સામે તે ઉભો હતો. તે સમયે પેંડલ રીક્ષામાં આવેલા બે આરોપીઓ પૈકી એક આરોપીએ હેન્ડસ ફ્રીનો ભાવ પૂછ્યો હતો. તે દરમિયાન બીજા આરોપીએ મને તલવાર બતાવી ધમકાવી મારો સામાન લૂંટી લીધો હતો, અને બંન્ને આરોપીઓ ભાગી છૂટયા હતા.
થોડીવાર પછી આ અંગેની ફરિયાદ કરવા માટે રાજુ અજમેરા રાવપુરા પોલીસ સ્ટેશન આવ્યો હતો. તે સમયે મારી એસેસરિઝ લૂંટી લેનાર મોહન કનુભાઇ વાસાફોડિયા (રહે.સયાજીગંજ ફૂટપાથ પર) ત્યાં આવ્યો હતો. જેને જોતા જ હું ઓળખી ગયો હતો. વાત એમ હતી કે આ મોબન સામે ખુદ તેના સાગરિત રવિ સુખાભાઇ સાઢીએ (રહે. વડોદરામાં ફૂટપાથ પર) ફરિયાદ નોધાવી હતી કે હું મારી પત્ની અને બાળકો સાથે પેંડલ રીક્ષા લઇને શાંતાદેવી નર્સિંગ હોમ ચારરસ્તા પાસે બેઠો હતો ત્યારે મોહને આવીને મારી સાથે ઝઘડો કરીને કહ્યુ હતું કે મારી ઘરવાળી ક્યાં છે ? તે જ એને રાખી છે અને લૂંટેલા માલનો હિસ્સો પણ અને આપ્યો નથી. મેં તેને સમજાવવાનો પ્રયાસ કરતા તેણે મારી પર તલવારથી હુમલો કરી ગળાના ભાગે ઇજા પહોંચાડી હતી. રાવપુરા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.