બ્રાહ્મણ પુજારીની જેમ જ રિક્ષાચાલકો, મજુરોને પણ આર્થિક પેકેજ આપવા ધારાસભ્યની માંગ
અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે મુખ્યમંત્રીને કરી લેખીત રજુઆત

(ઇમકાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૨૧: અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે રાજ્યના મુખ્યમંત્રીને પણ પાઠવી બ્રાહ્મણો તેમજ પુજારીઓની જેમ ગુજરાતમાં રીક્ષા ચાલકો મજુરો, ફુટપાથ પર બેસી ધંધો કરનાર લોકોને પણ આર્થિક પેકેજ આપવાની માંગણી કરેલ છે.
પત્રમાં વધુમાં જણાવેલ છે કે, કોરોના સંક્રમણને પગલે ગુજરાતમાં લોકડાઉનથી માંડી હમણાં સુધી યાત્રાધામ બંધ રહ્યા છે. કોરોના કેસો વધતાં હજી સુધી દ્વાર ખુલ્યા નથી. આ સંજોગોમાં મંદિરો-યાત્રાધામ ઉપરાંત કર્મકાંડ કરી રોજી રોટી મેળવતા બ્રાહ્મણો -પુજારીઓને સહાય કરવામાં આવે તે ખૂબ જ સારી વાત છે. હકીકતે મંદિરો અને યાત્રાધામ બંધ રહેતા પુજારીઓ અને કર્મકાંડી બ્રાહ્મણો સહિત અન્ય તમામ ધાર્મિક ગુરૂઓની પણ આર્થિક પરિસ્થિતી પ્રમાણમાંં લથડી છે.
દેશનું બંધારણ બિનસાંપ્રદાયિક છે અને સર્વ ધર્મ સમભાવમાં માને છે. તમામ ધર્મોને સમાન અધિકાર અને સન્માન પ્રાપ્ત થયા છે. મારી આપશ્રીને નમ્ર અરજ છે કે કોરોના મહામારીના સમયગાળામાં અન્યધર્મો મુસ્લિમ (મસ્જીદો દરગાહો) ખ્રિસ્તી, શીખ અને પારસી ધર્મના ધાર્મિક સ્થાનો પણ બંધ રહ્યા છે. માટે કર્મકાંડી બ્રાહ્મણ-પુજારીઓ સહિત મૌલવીઓ, દરગાહ શરીફના ખાદીમો, પાદરીઓ અને અન્ય તમામ ધાર્મિક ગુરૂઓની પણ જિલ્લા કલેકટરશ્રી પાસેથી વિગતો મંગાવી આર્થિક પેકેજમાં સમાવવામાં આવે.
ઉપરોકત બાબત વિધાનસભા ગૃહમાં ગરીબો પ્રત્યે સહાનુભૂતિ દાખવી ચર્ચા વિચારણા કરી રિક્ષા ચાલકો, લારી પાથરણાવાળા, છુટક મજુરી કરી ગુજરાત ચલાવનારાઓને પણ સરકારે આર્થિક પેકેજ આપવા ભારપૂર્વક જણાવેલ છે.