રાજકોટના પૂર્વ પીએસઆઇ અને હાલના વડોદરાના પીઆઇ રાજેશ કાનમીયાએ હત્યારાઓને ઝડપવા ૩ કલાક પાણીપુરીવાળા બની, પાણીપુરી વેચીᅠ
‘અજુ મેરી જાન, તું મને મારી નાખજે, હું બચી ગયો તો તને મારી નાખીશ': ફિલ્મી ડાયલોગ ડીલીવરી-ગેંગસ્ટરોની બચવા માટેની તરકીબો વડોદરા પોલીસે નિષ્ફળ બનાવી : પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ અને એડીશ્નલ પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયાએ કુવિખ્યાત બટકાના ભેજાબાજ હત્યારાઓને શોધવા ૮-૮ ટીમો કાર્યરત કરી હતી

રાજકોટ, તા., ૨૧: અંગત અદાવતમાં વડોદરાના કુવિખ્યાત શખ્સ ધર્મેશ ઉર્ફે બટકાને અવાવરૂ જગ્યાએ લઇ જઇ તિક્ષ્ણ હથીયારો વડે હત્યા કરી લાશ સગેવગે કરી નાખવાના મામલામાં રાજકોટના એક સમયના ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ તથા વડોદરાના હાલના પીસીબી પોલીસ ઇન્સ્પેકટર રાજેશ કાનમીયાએ આરોપીને ઝડપવા માટે વેષપલ્ટો કરી ગધેડા માર્કેટ ખાતે કલાકો સુધી પાણીપુરા વાળા બની પાણીપુરી વેચ્યાની રસપ્રદ હકિકતો બહાર આવવા સાથે આરોપી અજય ઉર્ફે ભુરીયાને ઝડપવામાં સફળતા સાંપડી તેની રસપ્રદ કથા બહાર આવી છે.
પોલીસ ઇન્સ્પેકટર રાજેશ કાનમીયાને પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ અને એડીશ્નલ પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયા દ્વારા આવા પ્રકારના આરોપીઓ, લુખ્ખાઓ તથા મિલ્કત વિરોધી ગુન્હાઓ આચરવા સાથે લોકોમાં ભય ફેલાવતા અપરાધીઓને ઝડપી લેવા માટે સુચવ્યું હતું.
દરમિયાન પીઆઇ આર.સી. કાનમીયાને ધર્મેશ ઉર્ફે બટકાની હત્યા કુવિખ્યાત આરોપી દ્વારા થયાનું અને હત્યાના આરોપી સેન્ટ્રલ જેલથી વારસીયા સુધી ખુલ્લી ઓડી કારમાં લોકડાઉન દરમિયાન સુરજ ઉર્ફે સુઇને મદદ કરવાના ગુન્હામાં અટક થયેલી આ સિવાયના અનેક ગુન્હાઓમાં તેનું નામ સંકળાયેલ હતું. આરોપી ખુબ જ ચાલાક અને નાસી છુટવામાં માસ્ટર માઇન્ડ હોવાની હકિકત સંદર્ભે પાણીપુરી વાળા બનવાની યુકિત પીસીબી સ્ટાફે અપનાવી હતી.
આરોપી બટકાના સાગ્રીત અજયે હત્યા બાદ જાણે કાંઇ બન્યુ ન હોય તેમ આખી રાત એક હોટલ પર બેસી રહી સવારે પાંચ વાગ્યે ઘેર જઇ આરામથી સુઇ જઇ સવારે દમણ જવા નિકળ્યો હતો. પરત ફરી અન્ય એક સામાન્ય ગુન્હામાં અન્ય પોલીસ મથકમાં સામેથી હાજર થઇ ગયો હતો. આમ ત્રણેય આરોપીએ પોલીસના હાથમાં ન ઝડપાઇ તે માટે અનેક તરકીબો અજમાવી હતી.
જેની હત્યા થઇ તેવા બટકાએ મરતા અગાઉ અજયને સંબોધીને એવું કહેલ કે ‘અજુ મારી જાન, તું આજ મને મારી નાખજે, નહીતર હું બચી ગયો તો તને મારી નાખીશ' આમ ફિલ્મી કથા જેવી હત્યાની આ ઘટનામાં ગેંગસ્ટરોને ઝડપવા પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટે ૮ ટીમો બનાવી હતી. આમ અપરાધીઓની યુકિત-પ્રયુકતી પોલીસની યુકિતઓ સામે ટુંકી સાબીત થઇ હતી.