ટી-સ્ટોલમાં છ ફૂટનું અંતર જરૂરી : માસ્ક વિના પ્રવેશ નહી : ટેબલ ખુરશીનું સેનેટાઇઝેશન ફરજીયાત
કોરોના નિયંત્રણ માટે ઠોસ પગલા : થુંકવા-કોગળા કરવા ઉપર પ્રતિબંધ

અમદાવાદ : કોરોનાને ફેલાતો રોકવા સરકાર દ્વારા અનેક પગલા લેવાય રહ્યા છે. અમદાવાદમાં ચા-કોફી પીવા આવતા ગ્રાહકો માટે એસઓપી જાહેર કરાઇ છે.
જે મુજબ આવનાર ગ્રાહકો વચ્ચે ઓછામાં ઓછું ૬ ફુટનું અંતર રાખવા અને માસ્ક વગરના વ્યકિતને પ્રવેશ ન આપવા જણાવાયું છે. ઉપરાંત ચાના લારી ગલ્લા ઉપર સેનેટાઇઝર અથવા હેન્ડવોશ રાખવું જરૂરી બનાવાયું છે. સોશ્યલ ડિસ્ટન્સીંગ માટે પ્રોપર માર્કીંગ અને ચેતવણી લગાવવી જરૂરી છે.
ચા અથવા કોફી ફકત બાયો ડિગ્રેડેબલ ડિસ્યોઝેબલ કપમાં જ આપવાની રહેશે. વધુ ભીડ ન થાય તેનું ધ્યાન રાખવાનું પણ કહેવાયું છે. ઉપરાંત મોટા પીવાના પાણીના માટલા કે વાસણના બદલે બોટલમાં પાણી રાખવમાં આવે. સાથો-સાથ થુકવા કે કોગળા કરવા ઉપર પ્રતિબંધ રાખવો.
ચા કોફીના સ્ટોલ ઉપર કામ કરતા કર્મચારીઓની દર અઠવાડીયે રેપીડ ટેસ્ટ દ્વારા તપાસ કરાવવી ફરજીયાત છે અને બીમાર કર્મચારીને કામ ઉપર ન બોલાવવા પણ જણાવાયું છે. માસ્ક વિના આવનારા વ્યકિત માટે માસ્કની વ્યવસ્થા કરવા પણ સ્ટોલ ધારકોને સુચના અપાઇ છે. ટેબલ ખુરશી તથા બાથરૂમને વારંવાર સેનેટનઇઝર કરવા અને ક્ષમતાથી ૫૦ ટકાનો જ ઉપયોગ કરવા એસઓપીમાં જણાવાયું છે.