હું તમને પૈસા આપું બદલામાં મને શારીરિક સુખ આપો!
વેજલપુરમાં મિત્રની માંને યુવકે કહ્યું : બિમાર પતિની સારવાર માટે પૈસાની જરૂર ઉભી થઇ જતાં નિરાશ થયેલ મહિલાએ પુત્રના મિત્ર પાસે મદદ માંગી હતી

અમદાવાદ,તા.૨૦ : ઘોર કળયુગનો લોકોને અનુભવ કરાવતી ઘટનાઓ શહેરમાં પ્રકાશમાં આવી રહી છે. શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં બનેલી ઘટના તમે કલ્પના પણ ના કરી શકો તેવી છે. બિમાર પતિની સારવાર માટે પૈસાની જરૂર ઉભી થતાં ચારેતરફ હાથ લંબાવી નિરાશ થયેલી ૩૯ વર્ષીય મહિલાએ પુત્રના ૨૧ વર્ષીય મિત્ર પાસે મદદ માંગી હતી. યુવકે પૈસાની મદદના બદલામાં મહિલા પાસે શારીરિક સબંધ બાંધવાની માંગણી કરી નાંખી હતી. પુત્રના મિત્રની માંગણીથી હેબતાઈ ગયેલી મહિલાએ પતિ અને પુત્રને યુવકની બિભસ્ત માંગણી અંગે વાત કરી હતી. વેજલપુર પોલીસે યુવક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જીવરાજપાર્ક ખાતે વેજલપુર રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતાં સેજલબહેન (નામ બદલ્યું છે)ના પરિવારમાં પતિ, ૨૧ વર્ષનો પુત્ર અને ત્રણ વર્ષની પુત્રી છે. સેજલબહેનના પતિ કુરિયર કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પતિ ત્રણ દિવસથી બિમાર રહેતાં હોઈ પૈસાની જરૂરિયાત ઉભી થઇ હતી.
સેજલબહેને તેમના સગા સબંધી અને પુત્રના મિત્ર વર્તુળમાં પૈસા માટે ફોન કરી મદદ માંગી હતી. જોકે કોઈ પાસેથી પૈસા મળ્યા ન હતાં. ગત તા.૧૭મીના રોજ સેજલબહેને તેમના પુત્રના આંબાવાડી ખાતે રહેતાં મિત્ર કૌશલને ફોન કરી પતિ બીમાર હોવાથી પૈસાની જરૂરિયાત હોવાનું કહી મદદ માંગી હતી. બીજા દિવસે કૌશલ સેજલબહેનના ઘરે પહોંચ્યો હતો. સેજલબહેન બેડરૂમમાં હતા તેમના પતિ મેઈન રૂમમાં જ્યારે પુત્ર તેના રૂમમાં સૂતો હતો. કૌશલ સેજલબહેન પાસે પહોંચ્યો અને રૂ.૩૦૦ આપી બોલ્યો તમે ચિંતા કરશો નહીં. હું તમારી જોડે છું. તમારે કેટલા પૈસાની જરૂર છે? સેજલબહેને ૧૦થી ૧૫ હજારની જરૂર હોવાનું જણાવતા કૌશલે હું મારા પપ્પાને વાત કરી વ્યવસ્થા કરી આપીશ તેમ જણાવ્યું બાદમાં તે સેજલબહેનના શરીરના અંગ પર હાથ ફેરવવા લાગ્યો હતો. શનિવારે સેજલબહેને સવારે ૧૦.૩૦ વાગ્યે કૌશલને ફોન કરતા તેણે ઘરે મળવાની વાત કરી હતી. ફોન પર જ કૌશલે સેજલબહેનને જણાવ્યું કે, હું તમને પૈસા તો આપીશ બદલામાં તમે મને શું આપશો? સેજલબહેને વ્યાજ આપીશ તેમ કહેતાં કૌશલ મારે વ્યાજ નહી તમારી જોડે શારીરિક સબંધ બાંધવો છે. પુત્રના મિત્રની બિભસ્ત માંગણીથી પહેલાં સ્તબ્ધ થઈ ગયેલા સેજલબહેને ફરી સ્વસ્થતા ધારણ કરી આવું કરવાની ના પાડી હતી. કૌશલે તમે મારા પપ્પાને કે બીજા કોઈને વાત કરતા નહીં. જો તમે કોઈને વાત કરી તો હું તમારા દિકરાને જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. આ બાબતે પતિ અને પુત્રને વાત કરી સેજલબહેને બિભસ્ત માંગણી કરતા આરોપી કૌશલ વિરૂધ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.