ગુજરાતમાં સાવચેતીરૂપે મોલ, સ્કુલ-કોલેજો સુમસામ દેખાઈ
સ્વિમિંગ પુલ અને અન્ય જગ્યાઓ પણ સુમસામ : જુદી જુદી જગ્યાઓ ઉપર માસ્કનું વિતરણ કરવામાં આવ્યું

અમદાવાદ, તા. ૧૬ : ગુજરાતમાં કોરોના વાયરસના કોઇ પોઝિટવ કેસ ન નોંધાયા હોવા છતાં ગુજરાતમાં સાવચેતીરુપે સ્કુલ, કોલેજો, સિનેમાહોલને બંધ રાખવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. સ્કુલ, કોલેજો, મોલને બંધ રાખવાનો આદેશ કરાયા બાદ આજે આ તમામ જગ્યાઓ પર સુમસામની સ્થિતિ જોવા મળી હતી. બીજી બાજુ સાવચેતીરુપે શહેરના વિસ્તારોમાં માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. હરિયાણા, પંજાબ, બિહાર, કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિત તમામ રાજ્યોમાં ૨૯મી સુધી સ્કુલ કોલેજો બંધ કરી દેવાઈ છે ત્યારે ગુજરાતમાં પણ હવે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી ચુક્યા છે. ગુજરાતમાં આજે આની સીધી અસર જોવા મળી હતી. ટોચના અધિકારીઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વ્યસ્ત દેખાઈ રહ્યા છે. રાજ્ય અને કેન્દ્ર દ્વારા જરૂરી સૂચનાઓ પણ જારી કરવામાં આવી રહી છે. એજ્યુકેશન સંસ્થાઓને બે સપ્તાહ માટે બંધ કરી દેવાઈ છે.
સીએમઓની લીલીઝંડી હોવા છતાં કેટલાક નિર્ણયો લેવાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં સિદ્ધિવિનાયક મંદીરને બંધ રાખવાનો નિર્ણય લેવાઈ ચુક્યો છે. સ્કુલ, કોલેજો, મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ, શોપિંગ મોલ બંધ રાખવામાં આવ્યા બાદ આજે તમામ જગ્યાઓએ સુમસામની સ્થિતિ રહી હતી. બીજી બાજુ જુદા જુદા વિસ્તારોમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા માસ્કનું વિતરણ લોકોમાં કરવામાં આવ્યું હતું. શહેરના સ્વિમિંગ પુલમાં પણ સુમસામની સ્થિતિ જોવા મળી રહી છે. અસરગ્રસ્ત લોકોની સંખ્યા ગુજરાતમાં હજુ સુધી એક પણ નોંધાઈ નથી પરંતુ તંત્ર સંપૂર્ણરીતે સજ્જ છે. મોટી હોસ્પિટલોમાં કોરોનાને લઇને તમામ સાવચેતીરાખવામાં આવી રહી છે. વિમાની મથક ઉપર પણ યાત્રીઓની જોરદારરીતે ચકાસણી જારી છે.