સ્ત્રી સશક્તિકરણ ઉપર ફરીવખત ભાર મુકાયો
તાલીમ વર્ગોની બહેનોનું સંમેલન

અમદાવાદ,તા.૧૬ : ગુજરાત યુનિવર્સિટી જન શિક્ષણ સંસ્થાના ઉપક્રમે ૮મી માર્ચ વિશ્વ મહિલાદિનની ઉજવણી પ્રસંગે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા તાલિમ વર્ગોની બહેનોનું સમેલન યોજાયું હતું. આ સંમેલન સાથે તાલિમ પ્રાપ્ત કરીને તૈયાર કરેલા જુદા જુદા નમુનાઓનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનની ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. જગદીશ ભાવસાર, જનશિક્ષણ સંસ્થાના નિયામક ડૉ. દર્શના ભટ્ટ, યોગેશ શાહ, ગીતાબેન મહેતા વગેરેએ મુલાકાત લીધી હતી. ઉપકુલપતિએ આ પ્રસંગે સ્ત્રીસશક્તિકરણ પર ભાર મુક્યો હતો.
તેઓએ ભારતમાં અને ગુજરાતમાં પુરુષો સામે સ્ત્રીઓની ઘટતી જતી સંખ્યાને સમતોલ કરવા માટે શિક્ષણ, પોષણ અને રક્ષણની ત્રિસુમી વિભાવનાને સાકાર કરવા ઉપસ્થિત નારીશક્તિને આહ્વવાન કર્યું હતું. દિકરી ભુણને રક્ષણ, દિકરીને પોષણ અને દિકરીને શિક્ષણ થકી સમાજને સશક્ત કરી શકાશે. સંસ્થાના નિયામક ડૉ. દર્શના ભટ્ટે મહિલાદિનની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે સંકલ્પ કરીને તેને સાકાર કરવા પ્રયત્ન કરવામાં આવે તો કંઈજ અશક્ય નથી. આપણને પ્રભુએ આપેલી શક્તિ થકી આપણએ એવું વાતાવરણ નિર્માણ કરીએ કે જેથી ભવિષ્યમાં આ દિવસ ઉજવવાનું બંધ થાય અને સમાનતા ભર્યા સમાજનુ નિર્માણ થાય.