ગુજરાત
News of Monday, 16th March 2020

ગુજરાત કોંગ્રેસને તાળાબંધી કરવાના નિવેદનથી હોબાળો

કોંગ્રેસ દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીના નિવેદનને વખોડી કઢાયું : કોંગ્રેસને પોતાના ધારાસભ્યોનાં મતોને મેળવવા માટે પૈસા આપવા પડી રહ્યા છે : એક ઉમેદવાર તો કોંગ્રસનો હારશે

અમદાવાદ,તા.૧૬ : રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ધારાસભ્યોનાં રાજીનામાં પડતાં કોંગ્રેસે મામલે ભાજપ પર પૈસા આપીને ધારાસભ્યોને તોડવાનો આરોપ લગાવ્યો છે. તો બીજી બાજુ ભાજપ દ્વારા પણ કોંગ્રેસ દ્વારા પોતાના પર કરવામાં આવેલાં આરોપોને લઈ પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસનાં આરોપ પર પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે, કોંગ્રેસને પોતાના ધારાસભ્યોનાં મત મેળવવા માટે પૈસા આપવા પડી રહ્યા છે. રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો એક ઉમેદવાર હારે છે. ખરેખર તો જે પ્રકારે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે તે જોતાં કોંગ્રેસના ગુજરાત યુનિટને તાળાબંધી કરવી જોઇએ. જો કે, જીતુ વાઘાણીના નિવેદનને લઇ ગુજરાત કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે

         ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ અને કેટલાક ધારાસભ્યો દ્વારા વાઘાણીના નિવેદનને વખોડી કાઢી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જેને લઇ ફરી એકવાર ભાજપ-કોંગ્રેસ વચ્ચનો ગજગ્રાહ ઘેરો બન્યો હતો. જીતુ વાઘાણીએ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યુ હતું કે, ખુદ વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ એક રીતે રાજયસભાની આગામી ચૂંટણીમાં તેમના પક્ષની હારનો સ્વીકાર કર્યો છે. આંકડાના ગણિતમાં કોંગ્રેસ હારી ગઈ છે. રાજ્યસભામાં કોંગ્રેસનો એક ઉમેદવાર હારશે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. સાથે કોંગ્રેસ દ્વારા ધમકી આપવાના આરોપ લાગતાં જીતુ વાઘાણીએ સ્પષ્ટ કર્યું  કે, જો કોઈ ધાક ધમકી આપે છે તો ફરિયાદ કેમ નથી કરતાકોંગ્રેસના આંતરિક ઝઘડામાં કોંગ્રેસના સભ્યો ક્રોસ વોટિંગ કરશે. પોતાના ધારાસભ્યોને પૈસા આપીને કોંગ્રેસ મત ખરીદે છે તેવો સનસનીખેજ આરોપ જીતુ વાઘાણીએ કર્યો હતો. અહીં અટકતાં વાઘાણીએ એટલે સુધી કહી દીધું કે, કોંગ્રેસે ગુજરાત યુનિટની તાળાબંધી કરવી જોઈએ.

(8:57 pm IST)