ગુજરાત
News of Monday, 16th March 2020

કમલમમાં કોરોનાના બદલે હવે તોડોનાની ગતિવિધિ છે

વિધાનસભા ગૃહમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર : સીએમ બંગલે ૪ ધારાસભ્યોને ૬૫ કરોડમાં ખરીદાયાના આક્ષેપને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી નારાજ : મુખ્યમંત્રી વિજય રૂપાણીના વળતા પ્રહારો

અમદાવાદ,તા.૧૬ : ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતા આજે વિધાનસભા ગૃહ ગરમાયું છે. ગૃહમાં સત્ર રૂ થતાની  સાથે આજે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને લઇ માર્મિક કટાક્ષ, હોબાળા, બંને પક્ષે આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે એક તબક્કે ગૃહનું વાતાવરણ ગરમાયુ હતું. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે ગૃહમાં એક તબક્કે જણાવ્યું હતું કે, કોંગ્રેસના અમુક ધારાસભ્યોને વજનના ભારોભાર ખરીદવામાં ભાજપ સફળ થયો છે. ૧૪મીની રાત્રે મુખ્યમંત્રીના ઘરે ભારોભાર તોલી લીધા હતા. તેમણે જનતાના મેન્ડેડનો અનાદર કર્યો છે. ધાનાણીએ ભાજપ પર ચાબખા મારતાં જણાવ્યું હતું, અમે રાજયસભામાં ભલે હારીશું પણ લોકશાહીના અસ્તિત્વને ટકાવી રાખવા અંત સુધી લડીશું.

      ધાનાણીએ એક તબક્કે ગૃહમાં જણાવ્યું હતું કે, કમલમમાં કોરોનાના બદલે તોડોના ચાલે છે. જે પાંચ રાજ્યોને ભરખી ગયો છે. ઘરના બંદરને પૂરીને રાખ્યા અને બહારના બંદરને પંદર-પંદર, ભાજપના ધારાસભ્યો ગૃહ બહાર આવી વાતો કરી રહ્યાં છે. અગાઉ સત્રની રૂઆતમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પ્રવીણ મારુએ પહેલો પ્રશ્ન પૂછ્યો કે, તુરત કોંગ્રેસના ધારાસભ્યોએ તેમના વિશે વેચાઉ માલ શબ્દપ્રયોગ કર્યો હતો. જેને પગલે ગૃહમાં જબરદસ્ત હોબાળો મચી ગયો હતો અને સામ-સામે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેને લઇને મંત્રીઓ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અકળાઈ ઉઠ્યા હતા. કોંગ્રેસના વેચાઉ માલના શબ્દપ્રયોગનો વિરોધ કરતાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, તમે તમારું ઘર સાચવો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસવાળા પોતાના ધારાસભ્યોને સાચવી શકતા નથી અને અમિત ચાવડા તો ગઇકાલ સુધી કહેતા હતા કે કોઇ ધારાસભ્યોની ચિંતા નથી.

       તો કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને પગલે કોંગી ધારાસભ્યોની ગૃહમાં હૈયાવરાળ પણ સામે આવી હતી. જે, શેર શાયરીના કટાક્ષરૂપે પ્રગટ થઇ હતી. કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કહ્યું હતું કે, હમેં તો અપનો ને લૂંટા, ગૈરો મેં કહાં દમ થા, તો વિધાનસભા અધ્યક્ષે પણ શાયરી કહી હતી કે, સામે ચાર રસ્તે નનામી જતી હતી, સામે મળ્યા તેને શુકન થયા, અને ઘેર ચૂડલા ભાંગ્યા. રાજકીય ગંભીર આક્ષેપબાજી વચ્ચે ભાજપના અધ્યક્ષ અને ધારાસભ્ય જીતુ વઘાણીએ પણ કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં અંગે કોંગ્રેસના આગેવાનો તરફ આંગળી ચીંધીને માર્મિક પ્રહાર કર્યા હતા. તો, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગૃહમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના બંગલે ધારાસભ્યોને રૂ.૬૫ કરોડમાં ખરીદવામાં આવ્યા હતા.

       મુખ્યમંત્રી કહેતા હતા કે અમે ભ્રષ્ટાચાર કરતા નથી. પરંતુ ગુજરાતના એક સમાચારપત્રમાં લખાયું છે કે, રૂ.૬૫ કરોડમાં સોદો થયો અને સોદો સીએમ હાઉસ ખાતે થયો હોય તો રૂપિયા આવ્યા ક્યાંથી તેનો જવાબ આપવામાં આવે. અમિત ચાવડા દ્વારા ખરીદ-વેચાણના આક્ષેપ કરવામાં આવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અકળાઈ ઉઠ્યા હતા. અમિત ચાવડાના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી શકતી નથી અને અમારા પર આક્ષેપ કરે છે. વિધાનસભા ગૃહ દરમિયાન પ્રશ્નોતરીકાળ દરમિયાન વિરોધ પક્ષના નેતા, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી વચ્ચે થયેલી આક્ષેપબાજીને સ્પીકરે છેલ્લે રેકોર્ડ પરથી દૂર કરાવ્યા હતા. આમ, આજે ગૃહમાં વાતાવરણ ગરમાયેલું રહ્યું હતું.

(8:53 pm IST)