સંબંધિત ૫ મતવિસ્તારોમાં લોકોમાં જોરદાર નારાજગી
બાગી ધારાસભ્યોના મતવિસ્તારમાં પ્રજામાં રોષ : અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને મહિલા કોંગ્રેસની આગેવાનીમાં સ્થાનિક મહિલાઓ દ્વારા બંગડીઓ અપાઈ

અમદાવાદ,તા. ૧૬ : ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર પાંચ ધારાસભ્યો સામે તેમના સંબંધિત મતવિસ્તારમાં જનતામાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. પ્રજાએ તેમને કોંગ્રેસના નિશાન પર ચૂંટણીમાં જીતાડયા હતા અને હવે પ્રજાને વિશ્વાસમાં લીધા વિના માત્ર સત્તા અને રૂપિયાની લાલચમાં રાજીનામું આપી દેનાર કોંગ્રેસના આ પાંચ ધારાસભ્યો સામે લોકો હવે ભારોભાર નારાજગી વ્યકત કરી રહ્યા છે. ખાસ કરીને, કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનો આજે તેમના મતવિસ્તારમાં જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રદ્યુમનસિંહ જાડેજા જ્યારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા ત્યારે એ જ સમયે મહિલા કોંગ્રેસ કાર્યકરો અને અગ્રણીઓ સાથે સ્થાનિક મહિલાઓ પણ ત્યાં પહોંચી ગઇ હતી અને પ્રદ્યુમનસિંહને બંગડી આપી સખત નારાજગી વ્યકત કરવામાં આવી હતી. મહિલાઓએ પ્રદ્યુમનસિંહનો જોરદાર હુરિયો બોલાવ્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો.
દરમ્યાન પ્રદ્યુમસિંહને રાજ્યસભાની ચૂંટણી ટાણે જ કેમ રાજીનામુ આપવુ પડયુ તે અંગે પૂછવામાં આવતા ધારાસભ્ય જાડેજાએ નિખાલસતાથી સ્વીકાર કર્યો હતો કે, અબડાસાના લોકોના હિતમાં આ નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. તેમને કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે તેવા પ્રશ્નના ઉત્તરમાં પણ જાડેજાએ સ્વીકાર્યું હતું કે, હા તેમણે ગદ્દારી કરી છે. પરંતુ આ ગદ્દારી તેમણે લોકો માટે કરી છે. કોંગ્રેસ છોડવા માટે તેમને કરોડો રૂપિયાનું પેકેજ ઉપરાંત જીએમડીસીનાં ચેરમેન તરીકેની ઓફર આપવા અંગે ઇનકાર કર્યો હતો. કંઇક આવી જ વિરોધ અને નારાજગીની સ્થિતિ કોંગ્રેસના અન્ય બાગી ધારાસભ્યો કે જેમણે તેમના સ્થાનિક મતદારો અને પ્રજાને વિશ્વાસમાં લીધા વિના કે આગોતરી જાણ કર્યા વિના રાજીનામું ધરી દીધુ છે તેમના વલણ અને વ્યકિતત્વને લઇ હવે તેમના મતવિસ્તારોમાં પણ જોવા મળી રહ્યા છે.