રાજ્યસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ગાબડાનો દોર : સંખ્યાબળ ઘટ્યું
રવિવારના દિવસે ચારના રાજીનામા બાદ મંગળ ગાવિતનું રાજીનામુ : કોંગ્રેસનું સંખ્યાબળ વિધાનસભામાં ગગડીને ૬૮ થયું : ભાજપ રાજ્યસભાની ત્રણ સીટો જાળવે તેવી પ્રબળ શક્યતા : કોંગ્રેસમાં હજુ ભારે દુવિધાની સ્થિતિ

અમદાવાદ, તા.૧૬ : રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ગાબડા પડવાનો સિલસિલો જારી રહ્યો છે. ચાર ધારાસભ્યોના રાજીનામા બાદ આજે કોંગ્રેસના પાંચમાં ધારાસભ્ય ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દેતા ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ૭૩થી ઘટીને ૬૮ થયું છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામા સંદર્ભમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સત્તાવારરીતે જાહેરાત કરતા આને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. કોંગ્રેસની હાલત રાજ્યસભાની ચૂંટણી પહેલા દિનપ્રતિદિન ખરાબ થઇ રહી છે. સંખ્યાબળ ઘટી રહ્યું છે. હજુ પણ વધુ ધારાસભ્યોના રાજીનામા પડે તેવી શક્યતા છે. કોંગ્રેસમાં કફોડી હાલતના લીધે ભાજપ રાજ્યસભાની ત્રણ સીટ જાળવી રાખે તેવી સંભાવના પ્રબળ બની ગઇ છે.
રાજયસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના ગઢમાં ભાજપે મોટા ગાબડા પાડી દીધા છે. એટલે કે, ભાજપ તડજોડની તેની કૂટનીતિમાં ફરી એકવાર સફળ થયુ છે અને કોંગ્રેસના એક, બે નહી પરંતુ પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. જેને પગલે હવે રાજયસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસમાં કારમી હારનો ગંભીર ખતરો તોળાઇ રહ્યો છે. ઘટનાક્રમના દોર વચ્ચે ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતે રાજીનામા આપી દેતાં ગુજરાત વિધાનસભામાં હવે કોંગ્રેસનું સંખ્યાબળ ૭૩થી ઘટીને ૬૮નું થયુ છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યો અંગે આજે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ સત્તાવાર જાહેરાત કરી હતી, જેને લઇ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ બની હતી. બીજીબાજુ, કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ હવે ભાજપ માટે રાજયસભાની ચૂંટણીનો જંગ બહુ આસાન બની ગયો છે.
ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને પગલે છેલ્લા બે દિવસથી હાઇવોલ્ટેજ રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે. ગઈકાલે કોંગ્રેસના ચાર ધારાસભ્યએ રાજીનામા આપી દીધા બાદ આજે વધુ એક ધારાસભ્ય મંગળ ગાવિતે પણ રાજીનામું આપ્યું છે. આ સાથે જ કોંગ્રેસનું સંખ્યાબળ વિધાનસભામાં ૬૮એ પહોંચી ગયું છે. જ્યારે અન્ય ધારાસભ્યો પણ ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. બીજી બાજુ ભાજપના ધારાસભ્યોની ગાંધીનગરમાં બેઠક યોજાશે. આ બેઠકમાં ભાજપ પોતાના ધારાસભ્યોની પણ સંખ્યા ગણશે અને માર્ગદર્શન આપશે.
દરમ્યાન વિધાનસભા ગૃહમાં પહોંચેલા વિરોધપક્ષના નેતા ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, અમે હારી જઈશું પણ લોકશાહી બચાવવા લડી લઈશું. ૧૪ની રાત્રે ને ના ઘરે ભારોભાર તોલી લીધા. જ્યારે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપના શાસકો લોકશાહીની હત્યા કરવા નીકળ્યા છે. ભાજપના શાસકોએ ભ્રષ્ટાચારના જોરે કમાયેલા કરોડો રૂપિયાના સહારે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદી લોકશાહીના મૂલ્યોને ખતમ કરવાના હીન પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ જયાં સુધી કોંગ્રેસના કાર્યકરો અને નીતિવાન નેતાઓ હયાત છે. કોંગ્રેસ લોકશાહીને બચાવવા છેક સુધી લડી લેશે. સીએમના બંગલે ૪ ધારાસભ્યોને રૂ.૬૫ કરોડમાં ખરીદવામાં આવ્યા છે.