ગુજરાત
News of Monday, 16th March 2020

નડિયાદ સહીત મહુધામાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા:20 શકુનિઓની રંગે હાથે ધરપકડ કરવામાં આવી

નડિયાદ: તેમજ મહુધા તાલુકાના ચુણેલ તાબે લ-મીપુરામાં ચાલતાં જુગારધામ પર પોલીસની ટીમે દરોડા પાડ્યાં હતાં. આ બંને દરોડામાં થઈ કુલ ૨૦ જુગારીઓ પત્તાપાનાનો જુગાર રમતાં રંગેહાથે ઝડપાઈ ગયાં હતાં. પોલીસે જુગારધામ પરથી મળી આવેલ મુદ્દામાલ કબજે લઈ જુગાર રમતાં પકડાયેલા તમામ ઈસમો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદના અમદાવાદી બજાર વિસ્તારમાં આવેલ મીરા ફળીયામાં રહેતો મોસીનઅલી ઉર્ફે બાપજી મહંમદઅલી સૈયદ પોતાના રહેણાંક મકાનમાં લોકોને ભેગા કરી જુગારધામ ચલાવતો હોવાની માહિતી નડિયાદ ટાઉન પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. જ્યાં ઘરના મુખ્ય રૂમમાંથી ગોળ કુંડાળામાં બેસી પત્તાપાનાનો જુગાર રમતાં ૧૧ ઈસમોને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જેમાં મોેસીનઅલી ઉર્ફે બાપજી મહંમદઅલી સૈયદ, અબ્દુલકાદિર મોબીનખાન પઠાણ, માહિર સફીભાઈ શેખ, મહંમદઅદનાન મહંમદઅકીલ અંસારી, નિલકંઠભાઈ પોપટભાઈ તળપદા, દિપકકુમાર ઉર્ફે ભુરીયો નટુભાઈ મકવાણા, વસીમ મહંમદઅલી સૈયદ, દિલિપભાઈ જેણાભાઈ નાયક, ઈન્તિખાબ ઈમ્તિયાઝઅલી અંસારી, ગ્યાસુદ્દીન અબ્દુલકાદિર સૈયદ અને રફીકભાઈ ફરીદભાઈ છીપાનો સમાવેશ થાય છે. તેમની અંગજડતીમાંથી રૂ.૨૨,૦૨૦, દાવ પરથી રૂ.૪૦૮૦ તેમજ નવ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ.૨૩,૨૦૦ મળી કુલ રૂ.૪૯,૩૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે પોલીસે કબજે લઈ પકડાયેલાં તમામ ઈસમો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:57 pm IST)