ગાંધીનગરમાં બાતમીના આધારે પોલીસે દારૂ ભરેલ કારનો પીછો કરતા કાર ઝાડ સાથે અથડાઈ: બુટલેગર રફુચક્કર

ગાંધીનગર: શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે શહેર નજીક સરઢવ-સોનીપુર રોડ ઉપર પેથાપુર પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલી કારનો પીછો કરતા કાર ઝાડ સાથે અથડાઈ હતી અને બુટલેગર ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાંથી વિદેશી દારૂની ૩પ બોટલ કબ્જે કરી ૩.૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે પોલીસ દ્વારા આ દારૂને પકડવા દોડધામ કરાઈ રહી છે ત્યારે ગઈકાલે રાત્રે પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે શહેર નજીક સરઢવ-સોનીપુર રોડ ઉપર એક કારમાં વિદેશી દારૂ લાવવામાં આવી રહયો છે જે બાતમીના પગલે પોલીસ ટીમે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર આવતાં પોલીસને જોઈને તેના ચાલકે કાર હંકારી દીધી હતી. પોલીસે પીછો કરતાં આ કાર રોડ સાઈડમાં ઝાડ સાથે અથડાઈ ગઈ હતી અને તેમાં સવાર બુટલેગર નાસી છુટયો હતો. પોલીસે જીજે-૧૮-બીએલ-૧૦૨૭ નંબરની આ કારમાં તપાસ કરતાં વિદેશી દારૂની ૩પ જેટલી બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ અને કાર મળી ૩.૧૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કાર નંબરના આધારે તેના માલિકની શોધખોળ આદરી છે.