અડાજણમાં એલ.આઈ.સી એજન્ટના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 19 તોલા દાગીનાની ઉઠાંતરી કરી

અડાજણ:વિસ્તારના શિવમ રો હાઉસમાં રહેતો એલ.આઇ.સી એજન્ટનો સાસુની મરણોત્તર વિધીમાં વતન રાજસ્થાન જતાં તસ્કરોએ તેમના બંધ ઘરને નિશાન બનાવી 19 તોલા સોનાના દાગીના, ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૃ. 5.89 લાખની મત્તા ચોરીને ફરાર થઇ ગયા હતા.
અડાજણ એલ.પી. સવાણી સ્કુલ નજીક સી.એન.જી સ્ટેશનની પાછળ શિવમ રો હાઉસમાં રહેતા એલ.આઇ.સી એજન્ટ મહેન્દ્ર બિશ્વનાથ શર્મા તા.10 ના રોજ પત્ની ઉર્મિલા, પુત્ર નયન અને પુત્રી ટીના સાથે વતન રાજસ્થાનના ચેડાવા ખાતે સાસુ બનારસીદેવીની મરણોત્તર વિધીમાં ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેમના બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનો નકુચો અને લોખંડની ગ્રીલ તોડી અંદર પ્રવેશી બેડરૃમના કબાટમાંથી સોનાનો હાર, અગંઠી, બુટ્ટી, બંગડી, ચેઇન મળી કુલ 190 ગ્રામ વજનના દાગીના અને ચાંદીના બિસ્કીટ 2 નંગ, પાયલ અને સિક્કા મળી કુલ 380 ગ્રામ વજન તથા રોેકડા રૃ.80 હજારની મત્તા મળી કુલ રૃ.5,89,900ની મત્તા ચોરીને ભાગી ગયા હતા. બીજા દિવસે પડોશી ચિરાગ સોનીએ ઘરના દરવાજાનો નકુચો તુટેલો હોવાનું અને અંદરનો સરસામાન વેરવિખેર પડેલો હોવાની જાણ કરતા મહેન્દ્ર તુરંત જ સુરત દોડી આવ્યો હતો અને ચોરી અંગેની ફરિયાદ અડાજણ પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી ચોરનું પગેરૃ મેળવવાની કવાયત હાથ ધરી છે.