હાલની ૧૪ દિવસની રજાઓ સરભર કરવા મથામણ
શાળા કક્ષાની પરીક્ષામાં એક દિ'માં બબ્બે પેપર લેવાશેઃ નવુ સત્ર ર૦ એપ્રિલથી જ
જરૂર પડે તો રજાના દિવસોમાં પણ શૈક્ષણિક અથવા પરીક્ષા કાર્ય ચાલુ રાખવાની વિચારણા

રાજકોટ, તા. ૧૬ :. રાજ્ય સરકારે આજથી તા. ૨૯ માર્ચ સુધી કોરોનાના કારણે શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાવ્યુ છે. સરકારના મૂળ આયોજન મુજબ માર્ચ અંતમાં અથવા એપ્રિલ પ્રારંભે શાળા કક્ષાની પરીક્ષાઓ પૂર્ણ કરવાની હતી. હવે અત્યારની ૧૪ દિવસની રજાનો સમય સરભર કરવા શાળા કક્ષાની પરીક્ષામાં પેપર એક દિવસમાં બબ્બે લેવા સરકાર આગળ વધી રહી છે. ૧૦ એપ્રિલ સુધીમાં પરીક્ષા પુરી થઈ જાય અને તે પછીના અઠવાડીયામાં પરિણામ આવી જાય તથા નિર્ધારીત કાર્યક્રમ મુજબ ૨૦ એપ્રિલથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ થઈ જાય તેવી સરકારની ગણતરી છે. કોરોનાના કારણે રજા તા. ૨૯ માર્ચ પછી લંબાવવી ન પડે તો નવુ શૈક્ષણિક વર્ષ ૨૦ એપ્રિલથી શરૂ થઈ જશે. સરકારે હાલની રજાના કારણે ભેગુ થનાર શૈક્ષણિક કાર્ય અને પરીક્ષા કાર્ય માર્ચના પ્રારંભે પુરૂ કરવાનું નક્કી કર્યુ છે. જરૂર પડયે રજાના દિવસોમાં પણ શાળા ચાલુ રાખવાનું વિચારાશે. ૧૦ એપ્રિલ આસપાસ ધો. ૧ થી ૯ અને ૧૧ની પરીક્ષા આટોપી નવુ સત્ર ૨૦ એપ્રિલથી શરૂ કરવાનું આયોજન હાલના સમય સંજોગો મુજબ થયુ છે. શિક્ષણ વિભાગ આ અંગે ટૂંક સમયમાં વિગતવાર કાર્યક્રમ જાહેર કરે તેવા નિર્દેશ છે.