પાંચમાં ધારાસભ્યનું રાજીનામુઃ કોંગ્રેસનો 'ખેલ' ખતમ
ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન નિશ્ચિત જીત ભણીઃ કોંગ્રેસના એક ઉમેદવાર ફોર્મ પાછુ ખેંચી લ્યે તો ચારેય બીનહરીફ : ભાજપ હજુ એક-બે ધારાસભ્યને ખેડવીને સંપુર્ણ સલામત સ્થિતિ સર્જવાની દિશામાં: રાજકીય ગરમાવો

રાજકોટ, તા., ૧૬: ગુજરાતમાં રાજયસભાની ૪ બેઠકોની ર૬ માર્ચે ચુંટણી યોજાનાર છે આજે તેના ફોર્મ ચકાસણીનો દિવસ છે ગઇકાલે કોંગ્રેસના ૪ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ આજે વધુ એક ધારાસભ્ય ડાંગના મંગળભાઇ ગાવીતે રાજીનામુ આપતા રાજકીય ખળભળાટવધ્યો છે. રાજયસભાની ચુંટણી પુરતો કોંગ્રેસનો ખેલ લગભગ પુરો થઇ ગયો છે. ભાજપના બે ઉમેદવારો અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા ઉપરાંત ત્રીજા ઉપરાંત નરહરિ અમીનની જીત પણ નિશ્ચિત બની છે. જો કે પુર્વ સાવચેતીના પગલારૂપે ભાજપ હજુ કોંગ્રેસના એક-બે ધારાસભ્યોને ખેડવવાની લાઇનમાં છે. તા. ૧૮ ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે. જો કોંગ્રેસના બે ઉમેદવારો ભરતસિ઼હ સોલંકી અને શકિતસિંહ ગોહીલ પૈકી એક ફોર્મ પાછુ ખેંચી લ્યે તો ચારેય ઉમેદવારો બીનહરીફ થઇ શકે તેમ છે.આવી શકયતા છે. ગઇકાલે કોંગ્રેસના જે ૪ રાજીનામા પડયા છે તેની નામ જોગ જાહેરાત આજે વિધાનસભામાં થશે. આ ચાર ધારાસભ્યોમાં અબડાસાના પ્રદ્યુમનસિ઼હ જાડેજા, ધારીના જે.વી.કાકડીયા, લીંબડીના સોમાભાઇ પટેલ અને ગઢડાના પ્રવિણ મારૂનો સમાવેશ થતો હોવાનું બહાર આવેલ છે. આજે કોંગ્રેસના પાંચમાં ધારાસભ્ય મંગળભાઇ ગાવીતે રાજીનામુ ધરી દીધું છે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જરૂરી ખરાઇ કરી પાંચેય રાજીનામા સ્વીકારી લેતા ધારાસભાની પાંચ બેઠકો ખાલી પડી છે. જેની પેટા ચુંટણી આગામી ૬ મહિનામાં આવવા પાત્ર છે.
કોંગ્રેસના ૭૩ ધારાસભ્યોમાંથી પ ના રાજીનામા બાદ હવે ૬૮ રહયા છે. અપક્ષ જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસ સાથે છે. બીટીપીના છોટુભાઇ વસાવા અને મહેશ વસાવા તથા એનસીપીના કાંધલ જાડેજા કોંગ્રેસ સાથે રહે તો હજુ કટોકટી થઇ શકે તેમ છે તેથી ભાજપ કોઇ કચાશ રાખવા માંગતો નથી. હજુ એક-બે ધારાસભ્યોને ખેડવવા અથવા ગેરહાજર રાખવા અથવા ભાજપ તરફી ક્રોસ વોટીંગ કરાવવાના પ્રયાસો ચાલુ છે. શ્રી અમીન મજબુત સ્થિતિમાં આવી ગયા છે તેને સંપુર્ણ સલામત જીત તરફ લઇ જવાના સરકાર પ્રેરીત પ્રયત્નો ચાલુ છે.