રાજ્યસભા ચૂંટણી : કોંગીમાં વધુ રાજીનામા પડવા દહેશત
રાજ્યસભા ચૂંટણીને લઇને ખેંચતાણનો દોર : ગુજરાત કોંગ્રેસમાં હાલમાં ભૂકંપ જેવી સ્થિતિ : ગુજરાતના સંગઠન નેતા સહિત હાઇકમાન્ડ દ્વારા ડેમેજ કન્ટ્રોલ કવાયત

અમદાવાદ, તા.૧૫ : ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા જોરદાર ખેંચતાણનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી પોતાના સભ્યોને અકબંધ રાખવા માટે પુરતા પ્રમાણમાં પ્રયાસ કરી રહી હોવા છતાં રાજીનામાઓના અહેવાલ આવી રહ્યા છે જેના લીધે ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. કોંગ્રેસના ધારાસભ્યોને અકબંધ રાખવા અને તેમનામાં વિશ્વાસ જાળવી રાખવાના પ્રયાસો થઇ રહ્યા છે. અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે પરંતુ કોંગ્રેસના નેતાઓ દ્વારા આ પ્રકારના અહેવાલોને રદિયો આપવામાં આવી રહ્યો છે. કોંગ્રેસી નેતાઓના અકબંધ હોવાના દાવા છતાં હજુ પણ કોંગ્રેસમાંથી વધુ રાજીનામા પડવાની ગંભીર દહેશત છે, જેને લઇ કોંગ્રેસના ગુજરાતના સંગઠનના સ્થાનિક નેતાઓ સહિત ખુદ હાઇકમાન્ડની ડેમેજ કંટ્રોલ માટે દોડધામ જોવા મળી રહી છે. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા માટે ભાજપે શરૂ કરેલા પ્રયાસોને ધ્યાનમાં રાખી કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોને જયપુર લઈ જવાયા છે.
કોંગ્રેસ છાવણીમાં કેટલીકરીતે દહેશત છે. કારણ કે, કેટલાક ધારાસભ્યોના કોલ બંધ આવી રહ્યા છે, લોકેશન મળી રહ્યા નથી. દરમિયાન કોંગી ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું હતું કે, ભાજપે બે દિવસ પહેલા મારો સંપર્ક કર્યો હતો, ભાજપ મારી શરતો માને તો ભાજપમાં જોડાવવા તૈયાર છું. કરજણના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા સતીષ નિશાળિયા સામે પગલાં ભરો તો ભાજપમાં જોડાવવા તૈયાર છું. દિલ્હીમાં જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી સાથે અહમદ પટેલને મળીશ. અગાઉ ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું હતુ કે, એવું કઈં નથી, હું ક્યાંય જવાનો નથી. હું જયપુર જવાનો નથી. હાલ હું વડોદરામાં છું અને મારે એક બે કામ હોવાથી દિલ્હી જવાનો છું. પરંતુ બપોર બાદ તેઓ શરતો સાથે ભાજપમાં જોડાવા તૈયાર થઈ ગયા છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને જંબુસરના ધારાસભ્ય સંજયસિંહ સોલંકી સાથે વડોદરાથી દિલ્હી અંગત કામે જઇ રહ્યા હોવાની વાત સામે આવી હતી.