INDIA ગઠબંધનમાં ફૂટ :AAPના જગમલ વાળાએ સૌરાષ્ટ્રના કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય વિમલ ચુડાસમાને ચાબખા માર્યા
AAP નેતાએ કોંગી ધારાસભ્યનું નામ લીધા વિના કહ્યું-સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો એકમાત્ર ધારાસભ્ય છે, જે પણ અર્ધ સરકારી બની ગયો છે. તે દેખાવમાં હીરો છે, જ્યારે આપણા ઉમેદવાર હીરા જોટવા નામથી હીરો છે.

અમદાવાદ :ગુજરાતની 25 લોકસભા બેઠક પર મંગળવારે મતદાન થવાનું છે, ત્યારે પ્રચારના અંતિમ દિવસે રાજકીય પાર્ટીઓ અને તમામ ઉમેદવારો છેલ્લી ઘડીના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આજે વેરાવળ ખાતેની જાહેરસભામાં આમ આદમી પાર્ટીના નેતાએ નામ લીધા વિના કોંગ્રેસના ધારાસભ્ય પર આકરા પ્રહાર કર્યાં હતા.
વેરાવળના સટ્ટા બજાર ખાતે કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી. જેમાં જૂનાગઢ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરવામાં આવી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા જગમલ વાળાએ સોમનાથ બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય પર નિશાન સાધ્યું હતુ.
AAP નેતાએ વર્તમાન કોંગી ધારાસભ્યનું નામ લીધા વિના જણાવ્યું કે, સમગ્ર સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો એકમાત્ર ધારાસભ્ય છે, જે પણ અર્ધ સરકારી બની ગયો છે. તે દેખાવમાં હીરો છે, જ્યારે આપણા ઉમેદવાર હીરા જોટવા નામથી હીરો છે.
જગમલવાળાના આક્ષેપ પર વિમલ ચુડાસમાએ જણાવ્યું કે, હીરા જોટવા દ્વારા મારા મત વિસ્તારમાં મને જે જવાબદારી સોંપવામાં આવી, તે હું નિષ્ઠાપૂર્વક નીભાવી રહ્યો છે. હું કોંગ્રેસના ઉમેદવાર માટે ડૉર ટૂ ડૉર પ્રચાર પણ કરી રહ્યો છે. આપ નેતા જગમલ વાળાએ 2022માં મારી સામે ચૂંટણી લડીને હાર્યા હતા અને ત્રીજા ક્રમે આવ્યા હતા.આથી જ તેઓ ખોટા આક્ષેપ કરી રહ્યાં છે. જગમલ વાળા પહેલાથી જ ભાજપના માણસ છે. જગમલ વાળા ભાજપના ઈશારે કામ કરી રહ્યાં છે.