રાઇટ ટુ એજ્યુકેશન ખોટી રીતે કરાયેલા ૧૫૫ એડમિશન રદ થયા
ખોટી રીતે પ્રવેશ મેળવવા કિસ્સા સામે આવ્યાઃ જેના માટે શરૂ કરવામાં આવી હતી તે લોકો બાજુએ રહી જાય છે અને જેને આ યોજનાની કોઈ જરૂર નથી હોતી તેવા લાભ લઈ જાય છે

અમદાવાદ, તા.૫
સરકાર ગરીબ કે મધ્યમ વર્ગ માટે કોઈ યોજના હજી તો શરૂ કરે અને તેમના સુધી પહોંચે તે પહેલા તો કૌભાંડીઓ તૂટી જ પડે છે. યોજના જેના માટે શરૂ કરવામાં આવી હતી તે લોકો બાજુએ રહી જાય છે અને જેને આ યોજનાની કોઈ જરૂર નથી હોતી તેવા લાભ લઈ જાય છે. સરકારની આવી જ એક યોજના રાઇટ ટુ એજ્યુકેશન નું થયું છે.
રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે RTE જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને નજીકની શાળામાં મફત અને ફરજિયાત પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરવાનો અધિકાર આપે છે હાલ રાજ્યમાં આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે ત્યારે અમદાવાદ શહેર માં RTEમાં ખોટી રીતે પ્રવેશ મેળવવા કિસ્સા સામે આવ્યા છે જેમાં અમદાવાદ ની ચાર સ્કૂલો ઉદગમ સ્કૂલ , અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ , ગ્લોબલ એશિયન સ્કૂલ, આનંદ નિકેતન સ્કૂલ જેવી શાળાઓમાં વધારે આવક ધરાવતા વાલીઓ એ ઇ્ઈ અંતર્ગત પ્રવેશ મેળવવાનો પ્રયત્ન કર્યો છે.
ખોટી રીતે પ્રવેશ મેળવનારા દોઢસો થી લઈને ૧૫૫ જેટલા એડમિશન જિલ્લા કચેરી દ્વારા રદ કરવામાં આવ્યા છે, અમદાવાદમાં ૩૦૮ જેટલી ફરિયાદ DEO કચેરી ને મળી હતી હજુ પણ ઘણા વાલીઓ એવા છે જે શાળાને ગુમરાહ કરી ને ખોટા પુરાવા રજૂ કરી ને જિલ્લા કચેરીને ગેરમાર્ગે દોરી રહ્યાં છે આવા વાલીઓ ઉપર જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ તમામ શાળામાં જાઇ ને હવે ચકાસણી કરશે અને જો RTE ની પાત્રતા નહિ હોય તેવા લોકો વિરુદ્ધ કાયદેસર નાં પગલાં લેવામાં આવશે તેમજ જરૂર જણાય તો પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે.
આમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટેની શિક્ષણ યોજનાનો એવા લોકો લઈ રહ્યા છે જેની તેમને કોઈ જરૂર નથી. તેના લીધે ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગના હોય તેવા લોકો હાથ ઘસતા રહી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ ઠેરના ઠેર રહે છે. આવું કંઈ આ જ યોજનામાં થયું છે તેવું નથી, સરકારની ભાગ્યે જ કોઈ યોજના આ પ્રકારનું વલણ ધરાવતા લોકો માટે બાકી રહી હશે.