જયરાજસિંહ જાડેજાએ ભાજપ વિરુદ્ધનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું: સંકલન સમિતિ સામે ઉઠાવ્યા સવાલ
ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સમસ્ત ક્ષત્રિય સમાજનું સ્નેહ મિલન યોજાયું:ક્ષત્રિય સમાજના સ્નેહ મિલનમાં ગરાસિયા, કાઠી, કારડીયા, નાડોદા, ગુર્જર, સોરઠિયા અને ખાંટ રાજપૂત સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યાં

રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલાના વાણી-વિલાસ બાદ શરૂ થયેલું ક્ષત્રિયોનું આંદોલન હવે ભાજપ વિરોધી બની ગયું છે. રુપાલા દ્વારા માફી માંગવા અને ભાજપ તરફથી ડેમેજ કંટ્રોલના પ્રયત્ન છતાં ક્ષત્રિયોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન કર્યું છે. એવામાં આજે ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સમસ્ત ક્ષત્રિય સમાજનું સ્નેહ મિલન યોજાયું હતુ.
ગોંડલ સ્થિત રાજપૂત સમાજની વાડી ખાતે મળેલા ક્ષત્રિય સમાજના સ્નેહ મિલનમાં ગરાસિયા, કાઠી, કારડીયા, નાડોદા, ગુર્જર, સોરઠિયા અને ખાંટ રાજપૂત સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
આ અંગે જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગોંડલમાં આયોજિત સ્નેહ મિલન સંપૂર્ણપણે ભાજપના સમર્થનમાં મળ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં છે. મારા વિસ્તાર એટલે કે ગોંડલ વિધાનસભા વિસ્તારમાં ક્ષત્રિયોના આંદોલનની કોઈ અસર નથી. અહીં દરેક સમાજના લોકો ભાજપના સમર્થનમાં જોડાયેલા છે. ગોંડલ વિધાનસભા વિસ્તારમાં પોરબંદર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાને 1 લાખ કરતાં વધુ લીડ મળશે.
વધુમાં જયરાજસિંહે સંકલન સમિતિ પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, ક્ષત્રિયોનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. સંકલન સમિતિના મોટાભાગના સભ્યોને હું ઓળખું છુ. અસ્મિતા સંમેલનમાં જે વક્તા સ્ટેજ પરથી બોલે છે, તે તમામને ઓળખું છે. જે પૈકી મોટાભાગના કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડેલા છે અને કોંગ્રેસમાં કોઈને કોઈ હોદ્દો ધરાવે છે. આ ક્ષત્રિયોનું ભાજપ વિરુદ્ધનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે.
મહિના અગાઉ પણ ગોંડલ ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં બેઠક મળી હતી. જેમાં ભાજપ ઉમેદવાર રુપાલાએ બે હાથ જોડીને માફી માંગી હતી. જે બાદ રાજપૂત અગ્રણીઓએ જાહેર કર્યું હતું કે, રુપાલાના વિધાનથી દુ:ખ જરૂર થયું છે. જો કે હવે તેમણે માફી માંગી લેતા આ વિષય અહીં પૂર્ણ થયો છે. રૂપાલાના વિધાન બાદ કેટલાક લોકો ક્ષત્રિય સમાજને ગુમરાહ કરવા ઝૂંબેશ ચલાવી રહ્યાં છે.