ગુજરાત
News of Sunday, 5th May 2024

મતદાન કરેલ મતદારને મતદાનના દિવસે દવાના બિલ પર ૭ થી ૧૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અપાશે

- લોકશાહીના મહાપર્વમાં વધુ મતદાન માટે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશન સહભાગી બનશે

અમદાવાદ : લોકશાહીના મહાપર્વમાં વધુ મતદાન ઝૂંબેશમાં સહભાગી થવા ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશનના સભ્યો દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકશાહીના આ પર્વની ગર્વભેર ઉજવણી થાય અને નાગરિકો  વધુમાં વધુ મતદાન કરે એ ઉદ્દેશ્યથી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશન દ્વારા મતદાન કરેલ દરેક મતદાતાને મતદાનના દિવસે દવાના બિલ પર ૭ થી ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 

 આ ઉપરાંત વધુમાં વધુ મતદાન થાય એ માટેની તમામ કામગીરીમાં સહભાગી બનવાની ખાતરી આપી છે. આમ, ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશન દ્વારા સૌ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા અપીલ પણ કરી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે એ માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તેમાં ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશનના સભ્યો સહભાગી થશે

(7:24 pm IST)