ભરૂચમાં મતદાન જાગૃતિ માટે નૃત્ય એકેડમી દ્વારા ભવાઇ રજુ કરીને લોકોને જાગૃત કરાયા
વધુને વધુ લોકો લોકશાહીના પર્વમાં જોડાય તે માટે આહવાન

ભરૂચ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તા.૭ મેના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે,ભરૂચ લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્ર મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે.
જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા, સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ બા રાઓલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાનું " રન ફોર વોટ" નું આયોજન શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન માટે લોકોને જાગૃત કરવા પ્રયાસના કર્યા હતાં સાથે સાથે સાઈ નૃત્ય એકેડમી દ્વારા મતદાન જાગૃતાની ભવાઈ રજૂ કરી ને પણ લોકોને જાગૃત કરવાના પ્રયાસ કર્યા હતા.
આ પ્રસંગે ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે 7 મે મતદાન મથકો પર મતદારોને મુશ્કેલી ન પડે તે પ્રકારની તમામ સુવિધાઓ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે ત્યારે વધુને વધુ લોકો આ લોકશાહીના પર્વમાં મતદાન કરી સહભાગી બનવા અપીલ કરી હતી..