ગુજરાત
News of Sunday, 5th May 2024

મચ્છરોના ઉપદ્રવ મામલે તંત્રની ટીમ એકશનમાં આવીઃ ઔદ્યોગિક એકમોમાં સર્વે કરી ફટકારી નોટીસ

કતારગામ વિસ્તારમાં વેદાંત ઇન્ડસ્ટ્રી પાસેથી ૮ હજાર, માઘવ ઇન્ડસ્ટ્રી પાસેથી ૫ હજાર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો

અમદાવાદ, તા.૫

મચ્છરોના ઉપદ્રવને પગલે પાલિકાના વીબીડીસી ખાતાની ટીમ એક્શન મોડમાં આવતા ઔદ્યોગિક એકમોમાં હાથ ધરી નોટિસ ફટકારી છે.

મચ્છરોના ઉપદ્રવને પગલે પાલિકાના વીબીડીસી ખાતાની ટીમ એક્શન મોડમાં જોવા મળી રહી છે, મચ્છરોના ઉપદ્રવને પગલે બાંધકામ સાઇટો બાદ છેલ્લા ૩ દિવસમાં પાલિકાના વીબીડીસી ખાતાની ટીમે ઔદ્યોગિક વિસ્તારોમાં સર્વે કરી ૩૯ એકમોને નોટિસ ફટકારી ૪૩,૫૦૦નો વહીવટી ખર્ચ વસૂલ કર્યો છે. કતારગામ વિસ્તારમાં વેદાંત ઇન્ડસ્ટ્રી પાસેથી ૮ હજાર, માઘવ ઇન્ડસ્ટ્રી પાસેથી ૫ હજાર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ૫ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી.

ઉધના-એ ઝોનમાં જીત ઇન્ડસ્ટ્રીને ૩ હજાર, લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીને ૧૦ હજારનો દંડ ફટકારી વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો. આ ઉપરાંત દિવ્યાનંદ ઈન્ડસ્ટ્રી, સાઇકૃપા ઈન્ડસ્ટ્રી, રાજદીપ ઈન્ડસ્ટ્રી, નેશનલ ઈન્ડસ્ટ્રી, ગણેશ કૃપા ઈન્ડસ્ટ્રી, ભગવતી નગર ઈન્ડસ્ટ્રી, સાઇકૃપા ઈન્ડસ્ટ્રી મળી ૧૭ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. લિંબાયત ઝોનમાં સાઇના કિએશનને ૨ હજાર, મંગલા પાર્કને ૧ હજાર, રૂસ્તમ પાર્ક, મંગલભવન, મસ્જિદે કુબા, નારાયણ ઈન્ડસ્ટ્રીને એક-એક હજારનો દંડ અને ૧૩ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ જ રીતે વરાછા-બી ઝોનમાં રામજી કૃપા ઈન્ડસ્ટ્રીને ૪ હજારનો દંડ અને ૧ એકમને નોટિસ, વરાછા-એ ઝોનમાંથી સપના સોસાયટીમાં ૧૫૦૦નો દંડ, અઠવામાં ગણેશ ઈન્ડસ્ટ્રીને ૧ હજાર રૂપિયાનો દંડ અને ૧ એકમને નોટિસ, ઉધના-બી ઝોનમાં ઊન વિસ્તારમાં આવેલા અબ્દુલ ખલીફા કારખાનાને નોટિસ આપવામાં આવી છે. તો સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સત્તર કોટડી, વખારીયાની વાડીમાં બે એકમોને નોટિસ આપવામાં આવી હોવાનું વીબીડીસી વિભાગના અધિકારીઓનું કહેવું છે.

(11:41 am IST)