ક્ષત્રિય અસ્મિતા આંદોલનના ભાગરૂપે વજેરીયા ગામે અસ્મિતા મહા સંમેલન યોજવામાં આવ્યું
રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મુસ્લિમ ગરાસિયા સમાજના આગેવાનો પણ જોડાયા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વજેરિયા ગામમાં અસ્મિતા મહા સંમેલન યોજાયું, આ સંમેલનમાં દરેક ગામોના ક્ષત્રિય યુવાનો,મહિલાઓ તથા મેવાસ ક્ષત્રિય સમાજના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા રાજ શેખરએ બીજેપી વિરૂદ્ધ મતદાન કરવા ઉપસ્થિત મેદનીને આહવાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.ત્યારે નર્મદા જિલ્લાના વજેરિયમાં પણ રાજપૂત સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મુસ્લિમ ગરાસિયા સમાજ ના આગેવાનો પણ જોડાયા હતા.આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનો એ ભાજપને મત ન આપવા અપીલ કરી હતી અને જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 5 લાખની લીડ નહીં મળે સમગ્ર ક્ષત્રિય સમાજ બીજેપી વિરુદ્ધ મતદાન કરશે. ક્ષત્રિય સમાજે પોતાની માગ શિસ્તબદ્ધ રીતે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ સરકારે તેમનો અવાજ ના સાંભળતા ક્ષત્રિય અસ્મિતા સંમેલન કરવાની ફરજ પડી છે.આ સંમેલન બાદ રાજપૂત સમાજના ઉપસ્થિત સૌ કોઈએ શપથ લીધા હતા.