પરિક્રમા કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓને પગે ચાલીને કે મોટર માર્ગે પરિક્રમા કરવા અપીલ
- આ માર્ગમાં ગરૂડેશ્વર અને પોઈચા આ બે બ્રિજ આવે છે. આ રૂટ ઉપર શ્રદ્ધાળુઓ સરળતાથી પરિક્રમા કરી શકશે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:ઈન્દોર સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે તા.૨૯/૦૪/૨૦૨૪ના શિડ્યુલ મુજબ ગત તા.૨૯/૦૪/૨૦૨૪ના રોજ સરદાર સરોવર નર્મદા ખાતેથી રિવરબેડ પાવર હાઉસ શરૂ કરાતા ૩૦ હજાર ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવા અંગેનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે નદીના નીચાણવાળા વિસ્તારો માં પાણીનો આવરો થયો છે. શહેરાવ ઘાટ ખાતે બનાવેલો કાચો બ્રિજ પાણીમાં સંપૂર્ણ ધોવાઈને ગરકાવ થયો છે. તેના પગલે પરિક્રમા ઉપર ટેમ્પરરી રોક લગાવવામાં આવી છે. વૈકલ્પિક આયોજન માટે સાધુ સંતો અને અગ્રણીઓ દ્વારા સમૂહ ચિંતન-મંથન કરી ગુરૂવારે વહેલી સવારે પાણીના પ્રવાહનો જાયજો લેવા માટે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને નોડલ અધિકારી જે.કે.જાદવ, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર સહિતનાઓની ટીમ સાથે પાણીના પ્રવાહની રિયલ પરિસ્થિતિના ફોટો -વીડિયો દ્વારા નર્મદા નદીના દ્રશ્યો કેદ કર્યા હતા. NDRF ની બોટ પણ પાણીના ધસમસતા પ્રવાહમાં સ્થિરતાથી સંચાલન થઈ શકે તેવી સ્થિતિમાં નથી તેવું NDRFની ટીમોનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો હતો. બોટ સંચાલન માટેની જેટી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. નદી કિનારે ઊભા કરાયેલા પેગોડામાં પણ પાણી ભરાઈ ગયા છે. બેરિકેડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
નર્મદા નદીમાં પાણીની સપાટી વધતા પરિક્રમા રૂટ ઉપર શહેરાવથી તિલકવાડા ઘાટ વચ્ચેના કામચલાઉ કાચા પુલને અસર થતા કામચલાઉ પુલ ક્ષતિગ્રસ્ત થઈને પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રાત્રે પણ ત્રણ ટર્બાઇન માંથી ૨૧ હજાર ક્યુસેક પાણી બહાર આવતા પાણીનો ફ્લો વધ્યો છે. પરિક્રમા કરવા આવતા પરિક્રમાવાસીઓની સલામતી-સાવધાની માટે પરિક્રમાને સલામતીના પગલે રૂકાવટ કરવાની વહીવટી તંત્રને ફરજ પડી છે.
વચગાળાના રસ્તા માટે વૈકલ્પિક રૂટ રામપુરા ઘાટ, રણછોડજી મંદિર, જુના રામપુરા, માંગરોળ, ગુવાર, શહેરાવ, સોઢલીયા-પાટી, જિઓર, રૂંઢ ચોકડી-પોઈચા, નિલકંઠ હોટલ થઈ પોઈચા બ્રિજ, દરિયાપુરા, ચાણોદ, કરનાળી, તિલકવાડા થઈ રેંગણથી વાસણ, અકતેશ્વર બ્રિજ પાર કરી હાઈવે ઉપરથી પસાર થઈ ભાણદ્રા ચોકડીથી સુરજવડ એટલે કે સમારિયા પાટીયા પાસેથી ગંભીરપુરા તરફના પરિક્રમા પથ ઉપરથી પસાર થઈને પરત રામપુરા ખાતે શ્રદ્ધાળુઓ વાહન-પગે ચાલીને પરિક્રમા કરી શકાય તેવો સૂચિત પ્લાન બનાવવામાં આવ્યો છે. લોકોએ પણ તેમાં સહકાર આપે તે રીતે પરિક્રમા કરવા હાલપુરતો અનુરોધ કરવામાં આવ્યો છે.
નર્મદા પુત્ર સાંવરિયા મહારાજની પરિક્રમાવાસી ઓને હાર્દિક અપીલ
ગત તા.8મી એપ્રિલ-2024થી ઉત્તરવાહિની પરિક્રમા પગપાળા તેમજ મોટર માર્ગે શરૂ થઈ હતી. ગત ગુરૂવારના રોજ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે મેં જાતે પરિક્રમા રૂટનું નિરિક્ષણ કર્યું છે. બોટમાં બેસીને સર્વે પણ કર્યો છે. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી પરિક્રમાર્થીઓ જેમાં બાળકો,વૃદ્ધો, મહિલાઓ, અશક્ત પણ જોડાતા હોય બોટમાંથી કિનારે ઉતરી શકે તેવી સ્થિતિ નથી. આ પરિસ્થિતિ જોતાં પરિક્રમા હાલ શરૂ કરવી કઠિન છે. જિલ્લા વહીવટી તંત્ર પરિક્રમાર્થીઓ માટે હંમેશાં ખડેપગે છે. પરિક્રમા કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓને મોટર માર્ગે પરિક્રમા કરવા વિનંતી છે. તેના માર્ગમાં ગરૂડેશ્વર અને પોઈચા આ બે બ્રિજ આવે છે. આ રૂટ ઉપર શ્રદ્ધાળુઓ સરળતાથી પરિક્રમા કરી શકશે.