દસલાણા ખાતે ૧૧૧ ફુટ ઉંચા હનુમાનજીની પ્રતિમાના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક – સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
મારૂતી યજ્ઞ, હનુમાન ચાલીસા પાઠ, ભગવાન શ્રી રામ વંદના, મહા આરતી, છપ્પન ભોગ અન્નકુટ સહિતના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો

વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના દસલાણા એસકેએચ રેસિડેન્સી ખાતે આવેલા ૧૧૧ ફુટ ઉંચા હનુમાનજીની પ્રતિમાના સાનિધ્યમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે મારૂતી યજ્ઞ, હનુમાન ચાલીસા પાઠ, ભગવાન શ્રી રામ વંદના, મહા આરતી, છપ્પન ભોગ અન્નકુટ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
શાસ્ત્રોક્ત વિધી સાથે મારૂતી યજ્ઞ કરવામાં આવ્યો અને ૧૧ વ્યક્તિઓએ પુજનનો લાભ લીધો હતો. હનુમાનજીને વિશેષ માળા અર્પણ કરવામાં આવી હતી.ભક્તો દ્વારા હનુમાનજીના પ્રિય ભગવાન શ્રી રામની વંદના કરવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં સત ક્રિષ્ના સ્કૂલનાં બાળકો દ્વારા નાનાની પ્રતિભા અને ઉત્સાહનું પ્રદર્શન કરવામાં આવ્યું અને હનુમાનજીના ૧૦૮ નામોથી શણગારેલા બાળકોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
યુગધારા જીજ્ઞેશકુમાર પંચાલે હનુમાન જયંતિના મહત્વ પર કળિયુગના સાક્ષાત દેવ અને ઉત્સવને રાષ્ટ્રીય ભક્તિ સાથેનું જોડાણ વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમની પૂર્ણાહૂતિમાં પરંપરાગત છપ્પન ભોગ અન્નકુટ ભગવાન હનુમાનજીને અર્પણ કરવામાં આવ્યો અને તમામ ભક્તોને પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમોનું સમાપન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મયુરભાઇ, પ્રવીણભાઈ, એસકેએચ રેસિડેન્સી ગૃપ, શ્રી રામ ઇન્ફ્રા પ્રા.લિ., માં રૂપેણ હોટલના કૌશિકભાઈ અને સમીર શુકલા, સત ક્રિષ્ના સ્કૂલ સહિત દસલાણાના ભક્તો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.